દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ તથા વિતરણ વ્યવસ્થાને વધુ નિયંત્રિત અને વ્યવસ્થિત બનાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ હવે રિટેલ પેટ્રોલ પંપ પરથી હાઈ-સ્પીડ ડીઝલ (HSD) અને મોટર સ્પિરિટ (પેટ્રોલ)ના વેચાણ માટે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે.
નવી ગાઈડલાઈન અનુસાર કોઈ પણ ગ્રાહક અથવા વાહનને એક જ દિવસમાં 200 લીટરથી વધુ હાઈ-સ્પીડ ડીઝલ વેચી શકાશે નહીં. ઉપરાંત, કોમર્શિયલ અને સંસ્થાકીય ગ્રાહકો માટે સામાન્ય રિટેલ પેટ્રોલ પંપ પરથી સીધી ઈંધણ ખરીદી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા જણાવ્યા મુજબ આ નવી વ્યવસ્થા શરૂઆતના તબક્કે આગામી 90 દિવસ સુધી અમલમાં રહેશે.
કોમર્શિયલ ગ્રાહકો માટે લાગુ થયા નવા નિયમો
સરકારના નવા નિર્દેશો મુજબ હવે કોમર્શિયલ અને સંસ્થાકીય ગ્રાહકો સામાન્ય પેટ્રોલ પંપ પરથી ઈંધણ ખરીદી શકશે નહીં. આવા ગ્રાહકોને પોતાની જરૂરિયાતનું પેટ્રોલ અથવા ડીઝલ તેમના અધિકૃત કન્ઝ્યુમર પંપ અથવા નિર્ધારિત સપ્લાય ચેનલ મારફતે જ મેળવવું પડશે.
સરકારનું માનવું છે કે આ પગલાંથી ઈંધણના ઉપયોગ અને વિતરણ પર વધુ અસરકારક નિયંત્રણ રાખી શકાશે તેમજ ગેરવપરાશ અને અનધિકૃત વેચાણ અટકાવવામાં મદદ મળશે.
એક દિવસમાં માત્ર 200 લીટર HSD ખરીદી શકાશે
નવા નિયમો હેઠળ પેટ્રોલ પંપ ડીલરોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈ પણ ગ્રાહક અથવા વાહનને એક દિવસમાં 200 લીટરથી વધુ હાઈ-સ્પીડ ડીઝલ વેચશે નહીં.
સામાન્ય કાર અને નાના વાહનોની ફ્યુઅલ ટાંકીની ક્ષમતા આ મર્યાદા કરતાં ઘણી ઓછી હોવાથી સામાન્ય વાહનચાલકોને તેની ખાસ અસર થવાની શક્યતા નથી. જોકે મોટા ટ્રકો, ઔદ્યોગિક ઉપયોગ માટે ડીઝલ એકત્ર કરનારા ગ્રાહકો અને મોટા જનરેટરો માટે ઈંધણ ખરીદતા લોકો પર આ નિયમની સીધી અસર જોવા મળી શકે છે.
આ ઉપરાંત ખરીદવામાં આવેલા હાઈ-સ્પીડ ડીઝલનું પુનઃવેચાણ (રીસેલ) કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
શું છે હાઈ-સ્પીડ ડીઝલ (HSD)?
હાઈ-સ્પીડ ડીઝલ (HSD) એ પેટ્રોલિયમમાંથી તૈયાર થતું ઉચ્ચ ગુણવત્તાવાળું સ્ટાન્ડર્ડ બળતણ છે. સામાન્ય ભાષામાં જે ડીઝલનો ઉપયોગ વાહનોમાં કરવામાં આવે છે તેને જ ટેકનિકલ રીતે હાઈ-સ્પીડ ડીઝલ કહેવામાં આવે છે.
તેનો ઉપયોગ મુખ્યત્વે કાર, બસ, ટ્રક, બાંધકામ મશીનો, જનરેટર, કૃષિ સાધનો, ગેસ ટર્બાઇન અને પેટ્રોલિયમ ક્ષેત્રના ભારે સાધનોમાં થાય છે. 750 RPMથી વધુ ઝડપે ચાલતા ડીઝલ એન્જિનો માટે HSD મુખ્ય બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
90 દિવસ સુધી અમલમાં રહેશે નવી વ્યવસ્થા
સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો હાલ પ્રારંભિક તબક્કે 90 દિવસ માટે લાગુ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલના વેચાણ માટે નવી ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત રહેશે.
જોકે, નોટિફિકેશનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકાર જરૂરિયાત મુજબ નવા આદેશ દ્વારા આ નિયંત્રણોમાં ફેરફાર કરી શકે છે અથવા સમયગાળો પૂર્ણ થાય તે પહેલાં તેને પાછા પણ ખેંચી શકે છે.
ઈંધણ વિતરણ અને વપરાશ પર વધુ પારદર્શિતા અને નિયંત્રણ લાવવા માટે લેવામાં આવેલા આ પગલાં આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગ અને કોમર્શિયલ ક્ષેત્ર પર કેવી અસર કરે છે તેના પર સૌની નજર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel