બિહાર વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને સોમવારે મોડી રાત સુધી યોજાયેલી મેરેથોન બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો સર્જાયો છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ (જગદીશ વિશ્વકર્મા) અને મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. બેઠકમાં મુખ્ય મુદ્દા તરીકે નવા મંત્રીમંડળની રચના, ગુજરાત પ્રદેશ માળખાને નવી ઊર્જા આપવી, મંત્રીઓની પસંદગી અને ખાતાઓનું વિતરણ ચર્ચામાં આવ્યા. આ બેઠક બાદ રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે અને રાજકીય દાવપેચો વધારે જોરથી ચર્ચામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા મંત્રીમંડળમાં આશરે 20 થી 22 સભ્યોની સંખ્યા રહેશે, જેમાંથી પાંચેક મંત્રીઓ યથાવત રહેશે, પરંતુ તેમના ખાતામાં ફેરફાર થવાની શક્યતા છે, જ્યારે લગભગ દસ વર્તમાન મંત્રીઓ મંત્રિપદમાંથી હકાલપટ્ટી થવાના સંકેતો મળી રહ્યા છે.
ચર્ચાઓમાં વર્તમાન ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને કેબિનેટ મંત્રીનું દરજ્જો મળવાની શક્યતા છે. નવા મંત્રીમંડળમાં યુવા અને અનુભવી ચહેરાઓને પ્રાથમિકતા આપવામાં આવશે, જ્યારે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદના હોવાના કારણે, નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું રાજકીય પ્રાધાન્ય વધવાની સંભાવના છે. અન્ય તરફ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારનો દબદબો ઘટી શકે છે. નવા મંત્રીમંડળમાં, સૌરાષ્ટ્રમાંથી પાંચ કે પાંચ ધારાસભ્યોને સ્થાન મળે, જ્યારે ઉત્તર ગુજરાતમાંથી બે-ત્રણ નેતાઓને મંત્રીપદ મળી શકે છે.
મંત્રીઓની પસંદગીમાં પ્રાદેશિક અને સામાજિક-જ્ઞાતિ સમીકરણ પર ભાર મુકવામાં આવશે. ઝોનવાઇઝ લાયકાત સાથે લેઉવા-કડવા પાટીદાર, ઓબીસી, કોળી અને આદિવાસી નેતાઓને તક આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, સૌરાષ્ટ્ર-કચ્છમાં લેઉવા-કડવા પાટીદાર, દક્ષિણ ગુજરાતમાં આદિવાસી, ઉત્તર ગુજરાતમાં ઓબીસી અને મધ્ય ગુજરાતમાં સવર્ણને મંત્રીપદ આપવાનો અંદાજ છે.
નવા મંત્રીમંડળમાં મહિલાઓને પણ તક મળવાની સંભાવના છે, જેમાં રિવાબા જાડેજા, દર્શના દેશમુખ અને સંગીતા પાટીલના નામ ચર્ચામાં છે. ઉપરાંત, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા એવા પક્ષપલટુ નેતાઓ અર્જૂન મોઢવાડિયા અને અલ્પેશ ઠાકોરનું પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.
નવા અને જૂના ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવાનું હાઇકમાન્ડ માટે મહત્વનું છે. યુવા નેતાઓને તક આપવાનું અને પાટીદારોને સંતુલિત રીતે પ્રતિનિધિત્વ આપવામાં આવવાનું આયોજન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જયેશ રાદડિયાને ફરી મંત્રીપદ મળવાની શક્યતા છે, જ્યારે જીતુ વાઘાણીની રી-એન્ટ્રીની પણ અટકળો છે.
અત્યાર સુધીની માહિતી મુજબ, મંત્રીમંડળનું વિસ્તારણ દિવાળી પહેલા થવાની શકયતા છે, જેથી નવા મંત્રીઓ તહેવારો પહેલાં જ પોતાની નવી ભૂમિકામાં પ્રવેશ કરી શકે. સૂત્રોએ આગાહી કરી છે કે આગામી એક-દોઇ દિવસમાં રાજ્યપાલ ભવનમાં કેબિનેટના વિસ્તરણ અને શપથગ્રહણનું આયોજન થઈ શકે છે, જે ગુજરાતના રાજકારણમાં તાત્કાલિક ફેરફારો અને નવા દિશાનિર્દેશો લાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel