લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ કેસમાં હવે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આ વિસ્ફોટ પાછળ પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ફરીદાબાદ મોડ્યુલની સંડોવણી છે. આ મોડ્યુલની મુખ્ય આરોપી તરીકે લખનૌની 32 વર્ષીય મહિલા ડૉ. શાહીન શાહિદનું નામ સામે આવ્યું છે, જે પહેલા એક મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર રહી ચૂકી છે.
ડૉ. શાહીન લખનૌના લાલ બાગ વિસ્તારમાં રહેતી હતી અને પબ્લિક સર્વિસ કમિશન (PSC) દ્વારા પસંદ થઈને કાનપુરની ગણેશ શંકર વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમાઈ હતી. પરંતુ વર્ષ 2013માં તે કોઈને જાણ કર્યા વિના અચાનક ગાયબ થઈ ગઈ હતી. લાંબા સમય સુધી ગેરહાજર રહેવાને કારણે 2021માં તેની નોકરીમાંથી બરતરફી થઈ હતી. વ્યક્તિગત જીવનમાં પણ તેના વિવાદો રહ્યાં — તેણે જફર હયાત નામના વ્યક્તિ સાથે નિકાહ કર્યા હતા, પરંતુ 2015માં તલાક લઈ લીધો હતો. તેના પિતા સઈદ અંસારી, જ્યારે તેનો ભાઈ ડૉ. પરવેઝ અંસારી ફરીદાબાદની ઈન્ટીગ્રલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે ડૉ. શાહીનને જૈશ-એ-મોહમ્મદ તરફથી “જમાત ઉલ-મોમિનાત” નામની મહિલા વિંગ સ્થાપવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જેનો હેતુ શિક્ષિત તથા પ્રોફેશનલ મહિલાઓને આતંકી પ્રવૃત્તિઓમાં જોડવાનો હતો. આ મહિલા વિંગનું નેતૃત્વ જૈશના વડા મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર કરે છે અને તેને આ વર્ષની ઑક્ટોબર મહિનામાં સક્રિય બનાવવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ અનુસાર, ડૉ. શાહીન “વ્હાઇટ કોલર ટેરર ઇકોસિસ્ટમ”નો મહત્વપૂર્ણ ભાગ હતી — એક એવું નેટવર્ક જેમાં ડૉક્ટરો, પ્રોફેસરો અને શિક્ષણવિદો પાકિસ્તાનથી સીધા આદેશ લઈને ફંડિંગ અને રિક્રૂટમેન્ટ જેવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે.
ડૉ. શાહીનની ભૂમિકા ખૂબ જ સંગઠિત રહી હતી. તે ફરીદાબાદ મોડ્યુલ માટે ફંડ એકત્રિત કરવું, મહિલા સભ્યોની ભરતી કરવી અને નાણાં ટ્રાન્સફર કરવું જેવી જવાબદારીઓ સંભાળતી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે પોતાના નેટવર્ક મારફતે ₹35 થી ₹40 લાખ સુધી ફંડ એકત્રિત કર્યા હતા. તે કાશ્મીરના પુલવામાના ડૉ. મુઝમ્મિલ અહમદ ગનાઈ (ઉર્ફે મુસૈબ) સાથે સંપર્કમાં હતી, જેના ઘરે અને ઠેકાણાઓ પરથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. વધુમાં, ડૉ. શાહીનના નામે રજીસ્ટર્ડ સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી AK રાઇફલ, પિસ્તોલ અને કારતૂસો મળી આવ્યા છે, જે તેની સીધી સંડોવણીનો પુરાવો આપે છે.
તે જમ્મુ-કાશ્મીરના વિસ્તારોની મુલાકાત લઈને મહિલાઓની ભરતી કરતી હતી અને NGO તથા મેડિકલ વેલ્ફેર સંસ્થાઓના કવર હેઠળ એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન મારફતે ફંડ ટ્રાન્સફર કરતી હતી. પોલીસે તેને ધરપકડ કરીને શ્રીનગરમાં વધુ પૂછપરછ માટે ટ્રાન્સફર કરી છે. આ કેસમાં તેના ભાઈ ડૉ. પરવેઝ અંસારીની પણ ધરપકડ કરવામાં આવી છે, કારણ કે ફરીદાબાદ સ્થિત તેના ઘર પર ઉત્તર પ્રદેશ ATS, જમ્મુ-કાશ્મીર પોલીસ અને લખનૌ પોલીસે સંયુક્ત દરોડા પાડ્યા હતા. તેનો અલ-ફલાહ યુનિવર્સિટી સાથે પણ સંબંધ હોવાનો સંકેત મળ્યો છે.
સુરક્ષા એજન્સીઓએ આ સમગ્ર કૌભાંડને આતંકવાદનું નવું સ્વરૂપ — “વ્હાઇટ કોલર ટેરરિઝમ” ગણાવ્યું છે, જેમાં ઉચ્ચ શિક્ષિત લોકો ધર્મ અને વિચારોના નામે અન્ડરગ્રાઉન્ડ આતંકી માળખાને મજબૂત બનાવે છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, “આ નેટવર્ક પાકિસ્તાનથી સીધા આદેશ લઈને કામ કરે છે અને ભારતના વિવિધ રાજ્યોમાં રિક્રૂટમેન્ટ તથા ફંડિંગ માટે સક્રિય છે.” હાલ આ કેસની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે અને આગામી દિવસોમાં વિવિધ રાજ્યોમાં વધુ દરોડા તથા ધરપકડોની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel