વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઓસ્ટ્રેલિયાનાં વિદેશ મંત્રી પેની વોંગ સાથે થયેલી મંત્રણા પછી તેઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીમાં ગતિશીલતા આવી ગઈ છે. બંને વિદેશ મંત્રીઓ આજે દિલ્હીનાં ‘હૈદરાબાદ હાઉસ’માં મળ્યાં હતાં. તે દરમિયાન, આગામી વર્ષે યોજાનાર ‘ક્વોડ’ પરિષદના એજન્ડા વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી.
એસ. જયશંકરે કહ્યું હતું કે, તેમાં ‘ક્વોડ’નાં વિસ્તૃતીકરણ વિષે પણ ચર્ચા કરાઈ હતી, અને તેમાં વધુ કોને કોને જોડવા તે અંગે પણ વાતચીત થઈ. આ ઉપરાંત અમે મધ્ય-પૂર્વની પરિસ્થિતિ તથા દક્ષિણ પૂર્વ એશિયા તેમજ ‘આસીઆન’ વિષે પણ વિચાર વિનિમય કર્યો હતો.
જયશંકરે વધુમાં કહ્યું, ‘ગઈકાલે મેં ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી તથા નાયબ વડાપ્રધાન રીચાર્ડ માર્લ્સ તથા વિદેશમંત્રી પેની વોંગ સાથે બીજી ૨ + ૨ મંત્રણાના નિષ્કર્ષ ઉપર પણ ચર્ચા થઈ હતી.’
આ ઉપરાંત અમારી વચ્ચે કોમ્પ્રીહેન્સિલ ઈકોનોમિક કો-ઓપરેશન એગ્રીમેન્ટ (સી.ઈ.સી.એ.) વિષે સઘન મંત્રણા થઈ હતી.
પેની વોંગે કહ્યું હતું કે ચીન સાથે વ્યાપારી સંબંધો રાખવા તે અમારી અનિવાર્યતા છે. પરંતુ ભારત સાથે સંબંધોનું સ્તર જ ઘણું ઊંચું છે.
પેની વોંગે વધુમાં કહ્યું કે, ચીન સાથે અમારા સંબંધો મહદઅંશે આર્થિક જ રહ્યા છે. સાથે અમે ચીનને તે પણ કહી દીધું છે કે, (રાજકીય ક્ષેત્રે) જ્યાં સહમતી સંભવિત હોય ત્યાં સહમત જરૂર થઈએ છીએ પરંતુ જ્યાં સહમત ન થઈ શકીએ ત્યાં અમે અમારી સ્પષ્ટ અસહમતી દર્શાવી જ છે.
નિરીક્ષકો કહે છે કે ઓસ્ટ્રેલિયાના પર્થ અને ફ્રીમેન્ટલ જેવા શહેરો હિન્દ મહાસાગરને સ્પર્શીને રહેલાં હોય. બંને નેતાઓ વચ્ચે હિન્દ મહાસાગર સંબંધે ચર્ચા થઈ જ હોય, તે સહજ પણ છે. જ્યારે પૂર્વ ઓસ્ટ્રેલિયાને પેસિફિક મહાસાગર સ્પર્શતો હોઈ ‘ઈન્ડો પેસિફિક’ ગુ્રપ ઉપર પણ ભારતના વિદેશમંત્રી તથા ઓસ્ટ્રેલિયાનાં તેઓનાં સમકક્ષે સઘન વિચાર-વિમર્શ કર્યો જ હોય તે સંભવિત છે જ, જે કહેવાની જરૂર પણ નથી.