અયોધ્યામાં રામમંદિરમાં મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે વિવાદિત નિવેદન આપ્યું છે. કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે કહ્યું કે, રાજ્યમાં ગોધરા જેવા રમખાણો થઈ શકે છે. આ ઉપરાંત, બીકે હરિપ્રસાદે માંગ કરી છે કે કેન્દ્ર સરકાર અયોધ્યા જનાર લોકોને સુરક્ષા આપે. પ્રભુશ્રી રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમરોહને ભાજપે રાજકીય ઈવેન્ટ બનાવી દીધો છે. આ સરકારની ફરજ છે કે એ લોકોની સુરક્ષા કરે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન કર્ણાટકમાં ગોધરા જેવા રમખાણો થઈ શકે છે.
કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદે કર્ણાટકની સિદ્ધારમૈયાની સરકારને કહ્યું કે તમારે એલર્ટ રહેવું જોઈએ. કારણ કે 2002માં ગુજરાતમાં પણ આવા જ એક કાર્યક્રમ દરમિયાન કારસેવકોને ગોધરામાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદના આ નિવેદન પછી વિવાદ વકરી રહ્યો છે.
કર્ણાટકમાં કારસેવકોની ધરપકડ પર હંગામો
કર્ણાટકમાં કારસેવક શ્રીકાંત પુજારીની ધરપકડને પગલે હંગામો મચી ગયો છે. 60 વર્ષીય પુજારીની કર્ણાટક પોલીસે શુક્રવારે હુબલીમાં 1992માં બાબરી ધ્વંસ બાદ થયેલા રમખાણોના મામલામાં ધરપકડ કરી છે. ભાજપનું કહેવું છે કે, કર્ણાટક સરકારે અયોધ્યામાં આયોજીત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના વિરોધમાં ધરપકડ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે રાજ્યની કોંગ્રેસ સરકારનું કહેવું છે કે આ પગલું ગેરકાયદે છે અને એમાં સરકારની કોઈ ભૂમિકા નથી. ભાજપે બુધવારે રાજ્યભરમાં દેખાવો યોજ્યા હતા. કર્ણાટક ભાજપના પ્રમુખ બીવાય વિજયેન્દ્રે કહ્યું કે કોંગ્રેસનું આ પગલું હિન્દુ વિરોધી છે.