ગુજરાતમાં ચોમાસાના વધુ એક તબક્કાની શરૂઆત સાથે રાજ્યભરના જળાશયો માટે આશાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના જળાશયોમાં જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જેના કારણે જળસંગ્રહમાં વધુ સુધારાની આશા છે. હાલ સમગ્ર રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસંગ્રહ 62% સુધી પહોંચી ગયો છે, જે પાણીના સંચાલન અને ખેતી માટે આશાસ્પદ છે.
રાજ્યના કુલ 29 જળાશયો 100% સુધી ભરાઈ ગયા છે, જેમાં કચ્છના સૌથી વધુ 5, ભાવનગરના 4 અને સુરેન્દ્રનગરના 3 જળાશયનો સમાવેશ થાય છે. એ ઉપરાંત, 62 જળાશયો 70%થી 100% સુધી ભરાયેલા છે, જ્યારે 38 જળાશયો 25%થી 50% વચ્ચેના સ્તરે છે. જોકે, હજુ પણ 36 જેટલા જળાશય એવા છે જ્યાં જળસ્તર 25%થી પણ ઓછું છે, જેના કારણે અહીં પાણીના પૂરતા સંગ્રહ માટે હજુ વરસાદની જરૂર છે.
સતત ચકાસણીના ભાગરૂપે, 48 જળાશયોમાં જળસ્તર 90%થી વધુ હોવાથી તેમને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે 21 જળાશયો એલર્ટ સ્થિતિમાં અને 21 જળાશયો વોર્નિંગ સ્તરે છે, જેને લઈને વહીવટી તંત્ર સજાગ સ્થિતિમાં છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 60.72% જેટલું પાણી સંગ્રહિત છે. રીજિયન મુજબ જોવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 57%, મધ્ય ગુજરાતમાં 66%, દક્ષિણ ગુજરાતમાં 61%, કચ્છમાં 56% અને સૌરાષ્ટ્રમાં પણ 66% જેટલું જળસંગ્રહ નોંધાયો છે. આ બધા પરિસ્થિતિઓ સાથે હાલ રાજ્યમાં પાણીની દ્રષ્ટિએ સ્થિરતા તરફ આગળ વધતી સ્થિતિ જોવા મળી રહી છે, જે ખેડૂતો અને પાણીપર આધારિત સેવાઓ માટે શુભ સંકેત છે.