ભારતીય સેનાના જવાનો અને અર્ધલશ્કરી દળોમાં ફરજ બજાવતા હિરો માત્ર બોર્ડર પર જ નહીં, પણ જીવનના દરેક ક્ષેત્રે પોતાના બલિદાનથી રાષ્ટ્રના રક્ષણમાં અવિરત યોગદાન આપે છે. હવે, તેમના પરિવારજનો માટે ન્યાય મેળવવો વધુ સરળ બનશે. ભારતમાં પહેલી વખત “NALSA વીર પરિવાર સહાયતા યોજના 2025″ની શરૂઆત કરવામાં આવી છે, જેનાથી દેશની સરહદ પર ફરજ બજાવતા જવાનોના પરિવારજનોને કાનૂની સહાય મફતમાં મળી રહેશે. આ ઐતિહાસિક પહેલ 26 જુલાઈ, કારગિલ વિજય દિવસના દિવસે શ્રીનગરમાં શરૂ કરવામાં આવી, જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA)ના કાર્યકારી અધ્યક્ષ અને આગામી ચીફ જસ્ટિસ, ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલની પાછળનું પ્રેરણાસ્રોત “ઓપરેશન સિંદૂર” છે, જેમાં ન્યાયમૂર્તિ સૂર્યકાંતે દેશની રક્ષા કરતાં જવાનોની સમસ્યાઓને નજીકથી અનુભવી અને તેમના પરિવારજનો માટે ન્યાયિક સહાયની જરૂરિયાત અનુભવી.
યોજના હેઠળ, સૈનિકો અને પેરામિલિટરી દળોના પરિવારજનો માટે સંપત્તિ વિવાદ, કુટુંબ સંબંધિત વિવાદ, નાણાકીય સમસ્યાઓ અને અન્ય કાનૂની બાબતોમાં મફત કાનૂની સલાહ અને પ્રતિનિધિત્વ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, હવે દરેક જવાનને ખાતરી રહે કે જ્યારે તે દેશની રક્ષા માટે સરહદ પર ફરજ બજાવે છે, ત્યારે તેના પરિવારના હિતોનું રક્ષણ દેશનું ન્યાયતંત્ર કરશે.
NALSA દેશભરમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળો (DLSA) દ્વારા ખાસ હેલ્પલાઈન અને કેમ્પો શરૂ કરશે, જેથી કિસ્સા સામે આવતા જ ઝડપી પગલાં લઈ શકાય. તાલીમપ્રાપ્ત વકીલોને કોર્ટમાં ન્યાયિક પ્રતિનિધિત્વ માટે નિયુક્ત કરવામાં આવશે, જેથી જવાનોને છૂટીને અથવા રજાની રાહ જોઈને કોર્ટના ચક્કર ન કરવાને બદલે, તેમના પરિવારોને સમયસર ન્યાય મળી શકે.
આ યોજના તમામ સશસ્ત્ર દળો – ભારતીય સેનાથી લઈ BSF, CRPF, ITBP અને અન્ય અર્ધલશ્કરી દળોના જવાનો માટે લાગુ પડશે. તેમાં ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેથી દરેક કેસ પર નજર રાખી શકાય અને સમયસર સમાધાન થઈ શકે.
જસ્ટિસ સૂર્યકાંત જ્યારે 24 નવેમ્બરે ભારતના ચીફ જસ્ટિસ બનશે, ત્યારે આ યોજનાને સમગ્ર દેશમાં વધુ વ્યાપક બનાવવા માટે તેઓ પ્રયત્નશીલ રહેશે. “તમે બોર્ડર પર દેશની સેવા કરો, અમે તમારા પરિવારનું ધ્યાન રાખીશું” – આ માત્ર એક વાક્ય નહીં, પણ જવાનોના બલિદાન પ્રત્યે દેશનો ઋણસ્વીકાર છે.