યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા હાલમાં મુલતવી રાખવામાં આવી છે, જે ભારત સરકારના સતત દખલ અને કૂટનૈતિક પ્રયાસોનું પરિણામ છે. નિમિષા પ્રિયા, કેરળના પલક્કડ જિલ્લામાં શ્રમિક પરિવારમાં જન્મેલી નર્સ, વર્ષ 2008માં નોકરીના માટે યમન ગઈ હતી. ત્યાં તેણે વિવિધ હોસ્પિટલોમાં નર્સ તરીકે સેવા આપી. વર્ષ 2011માં ભારત પાછી આવી અને ઈડુક્કી શહેરના ટોમી થોમસ સાથે લગ્ન કર્યા, ત્યારબાદ પતિ સાથે પુનઃ યમનની રાજધાની સના ખાતે વસવાટ શરૂ કર્યો અને એક દીકરીને જન્મ આપ્યો.
વર્ષ 2015માં, નોકરીથી મળતી ઓછી આવકથી અકળાઈને, તેણે પોતાના પતિ ટોમીના સહયોગથી યમનમાં ક્લિનિક શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પણ વિદેશીઓ માટે ત્યાં બિઝનેસ કરવાની મંજૂરી ન હોવાથી, નિમિષાએ યમનના નાગરિક તલાલ અબ્દો મહેદી સાથે ભાગીદારીમાં ક્લિનિક શરૂ કર્યું. શરૂઆતમાં બધું સામાન્ય ચાલ્યું, પણ થોડા સમય બાદ તલાલે નિમિષા પર દબાણ અને શોષણ શરૂ કર્યું. તેણે નિમિષાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો અને ક્લિનિકની માલિકી પોતે હડપવાનો પ્રયાસ કર્યો. તલાલના શોષણથી તંગ આવીને નિમિષાએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો, પણ ત્યાંથી પણ સહાય નહીં મળતા પરિસ્થિતિ વધુ નરમાઈને બદલે વણસી ગઈ.
જાણકારી અનુસાર, તલાલના દમનથી છૂટકારો મેળવવા માટે નિમિષાએ તેને ઈન્જેક્શન આપ્યાં હતા. પ્રથમ વખતનું ઈન્જેક્શન નિષ્ક્રિય રહ્યું, પણ બીજી વખતના ઈન્જેક્શન બાદ તલાલનું મૃત્યુ થયું. જેના કારણે 2017માં નિમિષા પર તેના બિઝનેસ પાર્ટનરની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો અને તેને યમનમાં જેલ હવાલે કરવામાં આવી. યમનના કાયદા મુજબ, હત્યા માટે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, અને તેને 16 જુલાઈ 2025ના રોજ ફાંસી આપવાની તૈયારી હતી.
આ સજાને અટકાવવા માટે ભારત સરકારે લાંબા સમયથી સતત પ્રયત્નો કર્યા છે. કેરળ સરકારે પણ તેના પરિવારને સહાય કરી છે અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા યમનના અધિકારીઓ સાથે નિમિષાની દયા યાચિકા અને વાટાઘાટોને આગળ ધપાવવામાં આવી છે. યમનની સના જેલના અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન સાથે સીધો સંપર્ક કરીને નિમિષાના પરિવાર અને યમનમાં રહેલા અન્ય પક્ષ સાથે દંડ રકમ (blood money) અને સમજૂતાની સંભાવનાઓ પર પણ વિચારણા કરવામાં આવી. આ તમામ પ્રયાસોના પરિણામે, હાલમાં નિમિષાની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી છે, જેને ભારતીય કૂટીનિવાસ અને માનવાધિકાર દ્રષ્ટિએ એક મોટા રાહતરૂપ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે.
હવે ભારત સરકાર અને નિમિષાના પરિવાર સામે પડકાર છે કે તેઓ યમનની કાનૂની પ્રક્રિયામાં મૃત્યુદંડને સંપૂર્ણપણે ટાળીને તેને ભારત પરત લાવવા માટે કાયદેસર દિશામાં આગળ વધે. નિમિષાની વાત માત્ર એક વ્યક્તિનો કિસ્સો નથી, પણ તે વિદેશમાં કામ કરતાં હજારોથી વધુ ભારતીયો માટે પણ એક પ્રેરણાસ્પદ સંઘર્ષ અને ન્યાયની લડતનું પ્રતિક બની છે.