દેશના વિવિધ એરપોર્ટ્સ પર છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા ઈન્ડિગો એરલાઇન્સના ઑપરેશનલ સંકટે મુસાફરોમાં ભારે રોષ પેદા કર્યો છે અને હવે કેન્દ્ર સરકારથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી નોંધી લેવામાં આવ્યું છે. ઈન્ડિગોની 2000થી વધુ ફ્લાઇટ્સ રદ થતા મુસાફરો એરપોર્ટ પર ફસાયા રહ્યા હતા, જેમને સમયસર ન ખોરાક મળ્યો, ન પાણી મળ્યું અને ન આરામની યોગ્ય સુવિધા. નવજાત શિશુઓ, વરિષ્ઠ નાગરિકો અને બીમાર દર્દીઓ માટેની પરિસ્થિતિ તો વધુ કઠિન બની હતી. આ માહોલ વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પગલા લેતા ઈન્ડિગોને આદેશ આપ્યો છે કે જે પણ મુસાફરોનું રિફંડ પેન્ડિંગ છે, તે રવિવાર રાત્રે 8 વાગ્યા પહેલા આપી દેવામાં આવે, તેમજ મુસાફરોના તમામ લગેજને 48 કલાકમાં પરત આપવા ફરજિયાત છે. મંત્રાલયે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે, તો તાત્કાલિક કડક કાર્યવાહી કરાશે.
બીજી તરફ, ઈન્ડિગો સામે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ થઈ છે, જેમાં એરલાઇન્સના સંકટને “માનવતાવાદી સંકટ’’ ગણાવીને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇન્ડિગોની ખામી અને DGCAની દેખરેખના અભાવે હજારો મુસાફરોના બંધારણીય અધિકારો (કલમ 21)નું ઉલ્લંઘન થયું છે. PILમાં સુપ્રીમ કોર્ટને આદેશ આપવા વિનંતી કરવામાં આવી છે કે ફસાયેલા મુસાફરોને અન્ય એરલાઈન્સ અથવા ટ્રેનો દ્વારા મફત વૈકલ્પિક મુસાફરી ઉપલબ્ધ કરાવવામાં આવે અને DGCAને પોતાની જવાબદારી અંગે રિપોર્ટ આપવા કહેવામાં આવે.
એરપોર્ટ્સ પર હાલ અતિ ભીડ છે—મુંબઈ એરપોર્ટ પર મુસાફરો ચાર દિવસથી પોતાનું લગેજ ન મળતા હંગામો મચ્યો હતો. કોલકાતા, બેંગલુરુ અને ચેન્નાઈ સહિત દેશના મોટા એરપોર્ટ્સ પર લાંબી લાઈન અને અનિયમિતતા જોવા મળી રહી છે. પીટીઆઈના મુજબ, માત્ર એક જ દિવસમાં 400થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે અને કુલ મળીને ચારથી પાંચ દિવસમાં 2000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે.
ઈન્ડિગોનું કહેવું છે કે DGCA દ્વારા લાગુ કરાયેલા નવા FDTL (Flight Duty Time Limitation) નિયમોના બીજા તબક્કાને કારણે ક્રૂ મેમ્બર્સની મોટી અછત ઊભી થઈ છે. નવા નિયમો મુજબ, રાત્રિના લેન્ડિંગની સંખ્યા ઘટાડાઈ છે અને પાયલોટ્સને વધારાની સુવિધાઓ આપવાની મર્યાદા કરાઈ છે. આ નિયમો 2024થી લાગુ થવાના હતા, પરંતુ એરલાઇન્સની માંગ પર તબક્કાવાર અમલ કરવામાં આવ્યો હતો. હવે મંત્રાલયે તમામ એરલાઈન્સને 10 ફેબ્રુઆરી 2026 સુધી રાહત આપી છે, જેથી હાલની અસ્તવ્યસ્તતા નિયંત્રિત થઈ શકે.
હાલ પરિસ્થિતિ હજુ પણ સંપૂર્ણ રીતે સામાન્ય નથી અને મુસાફરો પોતાની ફ્લાઇટ્સ, રિફંડ અને લગેજ વિશે સતત અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. DGCA અને મંત્રાલય બંને ઈન્ડિગો પાસેથી સમયસર રિપોર્ટ માંગતા રહેવાના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel