ગોધરામાં ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા કુલ 33 બાંધકામોને બુલડોઝર ચલાવીને તોડી પાડવામાં આવ્યા. આ મકાનોમાં મોટા ભાગના એવા અસામાજિક તત્ત્વોનું દબાણ હતું જે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હતા અને સ્થાનિક લોકોને વારંવાર હેરાન કરતા હતા. પોલીસ અને વહીવટી તંત્રની આ સંયુક્ત કાર્યવાહીથી કરોડોની કિંમતની સરકારી જમીન પાછી મેળવવામાં આવી છે.
આ મેગા ડિમોલિશન ડ્રાઇવ નગરપાલિકા, મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, મધ્ય ગુજરાત વીજ કંપની અને પોલીસ વિભાગની સંયુક્ત કામગીરીથી પાર પાડવામાં આવી હતી. ખાસ વાત એ છે કે તોડવામાં આવેલા અનેક મકાનો એવા લોકોના હતા જેઓ સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. ગત માર્ચમાં ગોધરાના એક ગામના શિવ મંદિરમાં થયેલી તોડફોડ અને ચોરીના આરોપીઓનાં મકાનો પણ આ જ વિસ્તારમાં હતાં, જેના પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું.
કાર્યવાહીને શાંતિપૂર્ણ રીતે અંજામ આપવા માટે વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગોધરા જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ડ્રાઇવ દરમિયાન 11 પોલીસ ઇન્સ્પેક્ટર, 11 DySP, 40 સબ-ઇન્સ્પેક્ટર અને 900થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. એટલા મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સની હાજરીને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવામાં આવ્યું.
રિપોર્ટ મુજબ, તાજેતરમાં ગોધરાના બી ડિવિઝન પોલીસ મથક પર થયેલા હુમલાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ હુમલામાં 200થી વધુ લોકો સામેલ હતા. પોલીસે એવા તમામ લોકોની યાદી તૈયાર કરી છે, જેઓનાં મકાનો ગેરકાયદેસર છે અથવા સરકારી જમીન પર દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ આ મકાનો સામે પણ આવી જ કાર્યવાહી હાથ ધરાશે.
આ ઘટનાનો પાશ્વભાગ એ છે કે થોડા દિવસ પહેલાં ગોધરામાં એક મુસ્લિમ ઇન્ફ્લુએન્સરને સમજાવવા માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો, ત્યારે મોટું ટોળું પોલીસ સ્ટેશનની બહાર એકઠું થયું હતું અને પથ્થરમારો સાથે સરકારી કચેરીમાં તોડફોડ પણ કરી હતી. આ મામલે અનેક લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે. તંત્રનો સ્પષ્ટ સંદેશ છે કે કાયદો અને વ્યવસ્થા ભંગ કરનારાઓને હવે કોઈ છૂટછાટ નહીં મળે અને ગેરકાયદેસર દબાણો સામે કડક પગલાં લેવામાં આવશે.
એકંદરે જોવામાં આવે તો ગોધરામાં થયેલી આ કામગીરી રાજ્ય સરકારની “ગેરકાયદેસર દબાણો સામે શૂન્ય સહનશીલતા”ની નીતિને મજબૂત સંકેત આપે છે. આ સાથે જ અસામાજિક તત્ત્વોને પણ ચેતવણી મળી છે કે તેઓના ગેરકાયદેસર કારોબાર અને બાંધકામો સામે હવે સતત કાર્યવાહી ચાલુ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel