લવ જેહાદનો એક કથિત મામલો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં પતિએ હાઇકોર્ટમાંથી જામીન મેળવવા માટે અરજી કરતાં સમગ્ર ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કેસમાં મુસ્લિમ પતિ સામે મૂળ હિન્દુ પત્નીએ એવી ફરિયાદ કરી છે કે તેના પતિએ ધર્મની હકીકત છૂપાવી હતી અને પોતે ખ્રિસ્તી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ એને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેના ન્યૂડ ફોટા વાઈરલ કરવાની ધમકી પણ આપી હતી. મજબૂરીમાં લગ્ન કર્યા બાદ ફરિયાદી પત્ની ઉપર શારીરિક અત્યાચાર ગુજારાતો અને તે સગર્ભા હોવા છતાંય તેના પેટ પર લાતો મારી તેનો ગર્ભ પાડી દેવામાં આવ્યો હતો. ‘લવ જેહાદનો કેસ પતી ગયો છે, હવે તારા કે તારા પેટમાં રહેલા બાળકની જરૂર નથી’ તેમ કહી ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ પણ ફરિયાદી પત્નીએ કર્યો છે.
બુધવારે આ કેસની સુનાવણી નીકળી ત્યારે ફરિયાદી મહિલા તરફથી એડવોકેટે રજૂઆત કરી હતી કે,‘આ કેસમાં કલમ-498A ઉપરાંત કલમ-315ના ગુનાનો પણ મામલો છે. ફરિયાદી મહિલાને તેના પતિ દ્વારા પેટ પર લાતો મારી હતી અને તેથી મહિલાના ગર્ભમાં રહેલા બાળકનું મોત થઇ ગયું હતું. આરોપી અને એના કુટુંબ સામે આ ત્રીજી ફરિયાદ છે. અગાઉ એક વાર સમાધાન પણ થયું હતું.’ બીજી તરફ અરજદાર પતિના એડવોકેટની દલીલ હતી કે,‘આ કેસમાં પતિ-પત્ની જુદા જુદા ધર્મના છે અને પત્ની સમાધાન કરવા તૈયાર નથી.’ ત્યારબાદ હાઇકોર્ટે પત્નીના એડવોકેટને સોગંદનામું કરવાનો આદેશ કરી કેસની વધુ સુનાવણી 8 જાન્યુઆરી મુકરર કરી છે.
આ સમગ્ર મામલે વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં મહિલાએ એના પતિ અને સાસરિયા વિરુદ્ધ એટ્રોસિટીના કાયદા ઉપરાંત દહેજ હિંસા અને તેના બાળકની ગર્ભમાં હત્યા કરવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સાસુ અને સસરાને જામીન મળી ગયા છે અને પતિએ જામીન મેળવવા અરજી કરી હતી. જે અરજી નીચલી અદાલતે ફગાવી દેતા પતિએ હાઇકોર્ટમાં રિટ કરી છે.
જેમાં એવી હકીકત સામે આવી છે કે ફરિયાદી કાવ્યા(નામ બદલ્યું છે) તેના પતિ(સાહિલ) અને અન્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદમાં સમાધાન માટે તેને સમજાવતાં તેણે કોર્ટમાં સોગંદનામું કર્યું હતું. તેથી પતિ સાહિલ જેલમાંથી છૂટીને ઘરે આવ્યો હતો. ત્યારબાદ તેની સાથે રોજેરોજ મારામારી કરવામાં આવતી. તેથી કાવ્યા પિતાના ઘરે જતી રહી હતી અને ત્યાં જઇને પણ તેને આરોપીઓ ત્રાસ આપતા હતા. એક દિવસ પતિ અને સાસુ-સસરાએ તેની સાથે ઝઘડો કરી તેને સાવરણીથી મારી હતી અને કહ્યું હતું કે,‘લવ જેહાદનો કેસ પતી ગયો છે અને હવે અમારું કામ થઇ ગયું છે. હવે તારી કે તારા પેટમાં રહેલા બાળકની જરૂર નથી.’ તેમ કહી ગાળો આપી હતી અને જાતિવિષય અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ સાહિલે તેને પેટ પર લાતો મારી જાતિવિષયક શબ્દો કહ્યા હતા.
કાવ્યાએ છૂટાછેડા આપવા માટે જણાવતા સાહિલે 25 લાખ રૂપિયાની માગ કરી હતી. જો પૈસા ન આપે તો તેને પિતાના ઘરે જ રહેવા કહી દીધું હતું. દરમિયાન તેને પેટમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલમાં દાખલ થઇ હતી અને તેનું બાળક મૃત્યુ પામતાં પીડિતાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ નવેસરથી ફરિયાદ કરી હતી.
યુવતી સાથે મિત્રતા કરી લગ્ન કરવાનું કહી ધર્મપરિવર્તન કરાવ્યું
આ કેસમાં તપાસ અધિકારીના સોગંદનામા મુજબ 2021માં પોતે મુસ્લિમ હોવા છતાંય આરોપી પતિએ ખ્રિસ્તી હોવાનું જણાવી ફરિયાદી પત્ની સાથે મિત્રતા કેળવી તેની સાથે લગ્ન કરવા માગતો હોવાનું કહી મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. તે દરમિયાન બે વાર આશરે દોઢથી બે માસનો ગર્ભ રહી જતા ગર્ભપાત કરાવ્યો હતો. તેમજ ફરિયાદીનું ધર્મપરિવર્તન કરાવી તેના નગ્ન ફોટા વાઈરલ કરવાની ધમકી આપી હતી. 2022માં જાતિવિષયક શબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. 2022-ડિસેમ્બરમાં પત્નીને ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી પેટના ભાગે લાતો મારી હતી. જેના કારણે ગર્ભપાત થઇ ગયો હતો.