ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરમિયાન સીએમ યોગીએ 30 ડિસેમ્બરના કાર્યક્રમને 22 જાન્યુઆરીનું રિહર્સલ ગણાવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ એક મોટો નિર્ણય કરતાં અધિકારીઓને 22 જાન્યુઆરી માટે અયોધ્યામાં હોટેલના બુકિંગ રદ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
શા માટે લેવાયો નિર્ણય?
રામનગરીમાં મોટી સંખ્યામાં આવતા વીવીઆઈપીને સમાવવા માટે પૂરતી હોટેલો નથી. વહીવટીતંત્ર આવા મહાનુભાવો માટે લખનઉ, પ્રયાગરાજ અને વારાણસીમાં હોટલની વ્યવસ્થા પહેલેથી જ કરી રહ્યું છે. સુરક્ષાના કારણોસર જે હોટલોમાં VVIP રોકાશે ત્યાં બહારના લોકો રોકાઈ શકશે નહીં. એટલા માટે જ આ નિર્ણય લેવાયો છે.
પીએમ મોદી હાજરી આપશે
ઉલ્લેખનીય છે કે PM મોદીની હાજરીમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તે પહેલા PM 30 ડિસેમ્બરે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ હજારો કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરશે.
જેમને આમંત્રણ એમણે જ આવવાનું રહેશે
સીએમ યોગીએ કહ્યું કે 22 જાન્યુઆરીના રોજ ફક્ત તે જ લોકો અયોધ્યા આવી શકશે જેમની પાસે આમંત્રણ પત્ર હશે અથવા સરકારી ફરજ પર તૈનાત હશે. યોગીએ કહ્યું, 22 જાન્યુઆરીએ આવનારા વિમાનો માટે શ્રી રામ એરપોર્ટ પર પૂરતી જગ્યા નથી. જેના લીધે આસપાસના જિલ્લાઓની એરસ્ટ્રીપ્સ અને એરપોર્ટ પર વ્યવસ્થા કરવા સૂચના આપી દેવાઈ છે.