રાજ્યભરમાં આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વની શરૂઆત થનાર છે ત્યારે ખેડા જિલ્લા પોલીસે આ પર્વમાં સુરક્ષાને સતર્કતા રાખવામાં આવશે, જે દરમિયાન નવરાત્રી પર્વના ૯ દિન પોલીસ રાત્રે મોટા ગરબા સ્થળેથી લઈને સોસાયટીમા થનાર ગરબા સુધી સતત પેટ્રોલિંગ કરશે અને વોચ રાખશે. આ ઉપરાંત CCTV, ડ્રોન કેમેરાથી પણ પોલીસ સર્વેલન્સ કરવા સજ્જ બની છે. ખેડા જિલ્લાના વડામથક નડિયાદ, કપડવંજ, કઠલાલ, માતર, મહેમદાવાદ, વસો, ખેડા, ઠાસરા, ગળતેશ્વર સહિતના તાલુકા મથકે યોજાનાર મોટા ગરબા સ્થળોથી લઈને શેરી ગરબા સુધી પોલીસ સતત વોચ રાખી પેટ્રોલીંગ કરશે. આ ઉપરાંત રાત્રે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે હેતુસર પોલીસનુ તમામ સ્થળોએ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ હશે.
આ બાબતે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ માહિતી આપતા જણાવેલ કે નવરાત્રિને લઈને જિલ્લા પોલીસ એક્શનમાં છે, ત્યારે Shee Teamની ૨૦ જેટલી પોલીસ બહેનો ૯ દિવસ જિલ્લામાં ફરી સર્વેલન્સ કરશે. સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનમાથી બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. CCTV, નેત્રમના લાગેલા સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ કરાશે તેમ જણાવ્યું છે.