2012માં પુણેના જંગલી મહારાજ (JM) રોડ પર થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી અસલમ શબ્બીર જહાંગીરદાર (ઉંમર 53), જેને બંટી જહાંગીરદાર તરીકે ઓળખવામાં આવતો હતો, તેની 31 ડિસેમ્બર 2025ના રોજ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ચોંકાવનારી ઘટના બપોરે અંદાજે સવા બે વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાના સમયે બંટી જહાંગીરદાર તેના એક સંબંધી સાથે મોપેડ પર શ્રીરામપુરના બોરાવકે કોલેજ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે પોતાના એક સગાની દફનવિધિ પૂર્ણ કરીને કબ્રસ્તાનમાંથી પરત ફરી રહ્યો હતો, ત્યારે ‘કાના હોટેલ’ નજીક મોટરસાઇકલ પર આવેલા હુમલાખોરોએ તેને રસ્તામાં અટકાવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, હુમલાખોરોએ નજીકથી 2થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીઓ અસલમના છાતી, પેટ અને પગમાં વાગતાં જ તે ઘટનાસ્થળે જ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ અને પોલીસની મદદથી તેને તાત્કાલિક શ્રીરામપુરની સખર કામગાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી હાલત નાજુક હોવાથી તેને એક ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. જોકે, ત્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સંભાજીનગરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં હુમલાખોરોના અસ્પષ્ટ ચહેરા અને તેમની બાઇકની નંબર પ્લેટ સંબંધિત કેટલીક વિગતો સામે આવી છે. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો મોટરસાઇકલ પર સવાર થઈ ઝડપથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, હત્યા બાદ ગણતરીના કલાકોમાં જ બે યુવકો શિરડી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા અને ગુનાની કબૂલાત કરતા આત્મસમર્પણ કરી દીધું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યાની પાછળ કોઈ આતંકવાદી કે સંગઠિત નેટવર્ક કરતાં વધુ ‘અંગત અદાવત’ અને ‘જૂની દુશ્મની’નો એંગલ હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસ બંને આરોપીઓની વિગતવાર પૂછપરછ કરી રહી છે અને હત્યાના સાચા કારણો, ઉપયોગમાં લેવાયેલું હથિયાર અને અગાઉની શત્રુતાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel