કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ દોડશે. આ ઐતિહાસિક શરૂઆત સુરતથી બીલીમોરા (નવસારી) વચ્ચેના રૂટ પરથી થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કુલ પાંચ તબક્કામાં શરૂ કરવાની યોજના છે. પ્રથમ તબક્કામાં સુરત–બીલીમોરા વચ્ચે સેવા શરૂ થશે, ત્યારબાદ બીજા તબક્કામાં વાપી–સુરત, ત્રીજા તબક્કામાં વાપી–અમદાવાદ, ચોથા તબક્કામાં થાણે–અમદાવાદ અને અંતિમ તબક્કામાં સંપૂર્ણ મુંબઈ–અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે.
બુલેટ ટ્રેન શરૂ થયા બાદ અમદાવાદથી મુંબઈનું અંતર માત્ર 2 કલાક અને 7 મિનિટમાં પૂરૂં કરી શકાશે, જે હાલની ટ્રેન અને રોડ મુસાફરીની સરખામણીમાં ઘણું ઓછું છે. બુલેટ ટ્રેનની મુખ્ય લાઈન પર મહત્તમ ગતિ 320 કિ.મી પ્રતિ કલાક રહેશે, જ્યારે લૂપ લાઈન પર ટ્રેન 80 કિ.મી પ્રતિ કલાકની ગતિએ દોડશે. ટ્રેનના ટ્રેકની આસપાસ કોઈપણ પ્રકારના વાઇબ્રેશનને નિયંત્રિત કરવા માટે અદ્યતન ટેક્નોલોજી અપનાવવામાં આવી છે. તીવ્ર પવન, ભૂકંપ જેવી પરિસ્થિતિઓમાં પણ ટ્રેન સલામત રીતે અટકી શકે તે માટે ખાસ સુરક્ષા સિસ્ટમ્સ જોડવામાં આવી છે, જે જાપાનની શિંકાન્સેન ટેક્નોલોજી પર આધારિત છે.
#WATCH | Delhi: Railways Minister Ashwini Vaishnaw says, "The bullet train will be ready in 2027, August 15th, 2027. The first section to open will be from Surat to Bilimora. After that, Vapi to Surat will open. Then Vapi to Ahmedabad will open, and after that, Thane to Ahmedabad… pic.twitter.com/vpal8NqNpE
— ANI (@ANI) January 1, 2026
મુંબઈ–અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ કિંમત અંદાજે 1.08 લાખ કરોડ રૂપિયા છે. ફંડિંગ વ્યવસ્થા મુજબ, કેન્દ્ર સરકાર NHSRCLને 10,000 કરોડ રૂપિયા આપશે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારો દ્વારા 5,000–5,000 કરોડ રૂપિયાનું યોગદાન આપવામાં આવશે. બાકીનો મોટો ખર્ચ જાપાન પાસેથી માત્ર 0.1 ટકા વ્યાજે લાંબા ગાળાની લોન દ્વારા પૂરો કરવામાં આવશે. નોંધનીય છે કે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં કરવામાં આવ્યો હતો.
પ્રોજેક્ટની પ્રગતિ અંગે વાત કરીએ તો 12 ડિસેમ્બર 2025 સુધીમાં નોંધપાત્ર કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. કુલ 508 કિ.મી રૂટમાંથી 330 કિ.મી વાયડક્ટ અને 408 કિ.મી પિયરનું બાંધકામ પૂર્ણ થયું છે. 17 નદી બ્રિજ, 5 પ્રીસ્ટ્રેસ્ડ કોંક્રિટ (PSC) બ્રિજ અને 11 સ્ટીલ બ્રિજનું કામ આગળ વધી રહ્યું છે, જેમાં 230 મીટર લાંબા સ્ટીલ બ્રિજનો પહેલો 130 મીટર સ્પાન તૈયાર થઈ ગયો છે. 235 કિ.મી વિસ્તારમાં 4.7 લાખથી વધુ અવાજ અવરોધો સ્થાપિત કરવામાં આવ્યા છે. 560 ટ્રેક કિ.મી (130 રૂટ કિ.મી) માટે RC ટ્રેક બેડનું બાંધકામ પૂર્ણ થયું છે.
મુખ્ય લાઈન વાયડક્ટના આશરે 85 કિ.મી રૂટ માટે 3,700થી વધુ OHE માસ્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. પાલઘર જિલ્લામાં 7 પર્વતીય ટનલનું ખોદકામ ચાલુ છે અને BKC તથા શિલ્ફાટા વચ્ચેની 21 કિ.મી ટનલમાંથી 5 કિ.મી NATM ટનલનું કામ પૂર્ણ થયું છે. સુરત અને અમદાવાદમાં રોલિંગ સ્ટોક ડેપોનું બાંધકામ ચાલી રહ્યું છે, જ્યારે ગુજરાતના તમામ સ્ટેશનો પર સુપરસ્ટ્રક્ચરનું કામ અંતિમ તબક્કામાં છે. મહારાષ્ટ્રમાં મુંબઈના ભૂગર્ભ સ્ટેશન પર બેઝ સ્લેબ કાસ્ટિંગનું કામ પણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. કુલ મળીને, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે હકીકત તરફ ઝડપી પગલાં ભરી રહ્યો છે અને 2027માં ભારતને હાઈ સ્પીડ રેલના યુગમાં પ્રવેશ કરાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel