સુપ્રીમ કોર્ટે શુક્રવારે, 7 નવેમ્બર 2025ના રોજ, રખડતા શ્વાનો અને પશુઓ સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં સ્પષ્ટ અને કડક નિર્દેશો આપ્યા છે. અદાલતે કહ્યું છે કે રાજસ્થાન હાઇકોર્ટનો રખડતા પશુઓ અને શ્વાનો અંગેનો નિર્ણય હવે સમગ્ર દેશમાં લાગુ થશે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન. વી. અંજારિયાની ત્રણ સભ્યોની બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કે દેશભરના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જાહેર સ્થળો, સ્કૂલ-કૉલેજો, હોસ્પિટલોના કેમ્પસ તેમજ નેશનલ અને સ્ટેટ હાઇવે પરથી રખડતા પશુઓ અને શ્વાનોને હટાવવાની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવી જોઈએ.
બેન્ચે કહ્યું કે “બધા રાજ્યોના મુખ્ય સચિવોએ આ નિર્દેશોનું કડક પાલન સુનિશ્ચિત કરવું જોઈએ અને 3 અઠવાડિયામાં રિપોર્ટ તથા સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવું જોઈએ.” અદાલતે જણાવ્યું કે આ કેસમાં આગામી સુનાવણી 13 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે.
સુપ્રીમ કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે સ્કૂલ, કૉલેજ અને હોસ્પિટલોના પરિસરમાં રખડતા શ્વાનોની એન્ટ્રી રોકવા માટે ત્યાં વાડ (બાઉન્ડરી ફેન્સિંગ) લગાવવાની રહેશે. આ સાથે, દરેક સંસ્થાએ એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવી રહેશે, જે આ નિયમોના અમલ અને દેખરેખ માટે જવાબદાર રહેશે. રાજ્યોને એ પણ સુનિશ્ચિત કરવાનું રહેશે કે રખડતા શ્વાનોની નસબંધી (સ્ટેરિલાઇઝેશન) કરવામાં આવે અને તેમને સુરક્ષિત રીતે શેલ્ટર હોમમાં રાખવામાં આવે.
અદાલતે રાજ્યોને યાદ અપાવ્યું કે આ મુદ્દો માત્ર જાહેર આરોગ્ય અને સુરક્ષાથી જ નથી જોડાયેલો, પરંતુ નાગરિકોના જીવના હક્ક સાથે પણ સંબંધિત છે. નોંધનીય છે કે, ત્રણ મહિના પહેલાં રાજસ્થાન હાઇકોર્ટએ પણ રાજ્યની તમામ સ્થાનિક સંસ્થાઓને રસ્તાઓ પરથી રખડતા પશુઓને હટાવવાનો અને તેમની સુરક્ષિત વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી તે આદેશ આખા દેશમાં લાગુ થવાનો માર્ગ મોકળો થયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel