હિમાચલ પ્રદેશના શિમલા સ્થિત ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (IGMC)માં પલ્મોનરી મેડિસિન વોર્ડમાં ડૉક્ટર અને દર્દી વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ રાજ્યભરમાં ભારે હોબાળો મચાવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હોસ્પિટલ તંત્ર અને સરકાર હરકતમાં આવી ગઈ હતી. વિવાદ વધતા સિનિયર રેસિડન્ટ ડૉક્ટર રાઘવ નરુલાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.
આ ઘટના 22 ડિસેમ્બરની બપોરે આશરે 12 વાગ્યે બની હતી. 36 વર્ષના અર્જુન પંવારને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી IGMCમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સિનિયર રેસિડન્ટ ડૉક્ટર રાઘવ નરુલા (31) દર્દીના જૂના મેડિકલ રિપોર્ટ્સ અને એક્સ-રે તપાસવા માટે વોર્ડમાં આવ્યા હતા. દર્દી અર્જુન પંવારનો આરોપ છે કે તપાસ દરમિયાન ડૉક્ટરે તેને અનૌપચારિક રીતે ‘તું’ કહીને સંબોધન કર્યું, જેના પર તેણે વાંધો ઉઠાવી વધુ આદરપૂર્વક વાત કરવાની માંગ કરી હતી. અર્જુનના જણાવ્યા મુજબ, તેણે ડૉક્ટરને પ્રશ્ન કર્યો કે શું તેઓ પોતાના પરિવારજનો સાથે પણ આવી ભાષા વાપરે છે, જે બાદ ડૉક્ટર ગુસ્સે થઈ ગયા અને બેડ પર સૂતેલા દર્દીને મુક્કા મારવા લાગ્યા. વાયરલ વીડિયોમાં ડૉક્ટર દર્દી પર મુક્કા વરસાવતા દેખાય છે, જ્યારે અન્ય એક ડૉક્ટર દર્દીના પગ પકડી રાખતો નજરે પડે છે. દર્દીએ દાવો કર્યો છે કે હુમલાથી બચવા માટે તેણે લાત મારી હતી.
Himachal Pradesh: Kicks-and-Punches Brawl Between Doctor and Patient at IGMC #Shimla
◆ A patient allegedly kicked the doctor, following which the doctor retaliated with punches
◆ The hospital administration has initiated an inquiry!!#medtwitter pic.twitter.com/cCQZUA2JGj
— Indian Doctor🇮🇳 (@Indian__doctor) December 22, 2025
બીજી તરફ, ડૉ. રાઘવ નરુલાએ પોતાના બચાવમાં કહ્યું છે કે તેમને દર્દી ઓળખીતો લાગ્યો હતો અને તેમણે માત્ર ‘તું દેખા દેખા લગ રહા હૈ’ એવું કહ્યું હતું, જેના પર અર્જુન ગુસ્સે થઈ ગયો. ડૉક્ટરના દાવા મુજબ દર્દીએ તેમની સાથે ગાળાગાળી કરી, તેમના માતા-પિતાને લઈને અપશબ્દો કહ્યા અને IV સ્ટેન્ડ વડે મારવાનો પ્રયાસ કર્યો હતો, સાથે જ લાતો મારી હતી. ડૉ. રાઘવનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો માત્ર 16 સેકન્ડનો છે અને તેમાં ઘટનાનો સંપૂર્ણ ક્રમ દેખાતો નથી. તેમના જણાવ્યા મુજબ ઝઘડો લગભગ 10 મિનિટ ચાલ્યો હતો અને તેમણે માત્ર સ્વરક્ષણ માટે જવાબી કાર્યવાહી કરી હતી. તેમણે આ ઘટનામાં કોઈ પસ્તાવો વ્યક્ત કર્યો નથી અને કહ્યું છે કે આ તેમના આઠ વર્ષના કારકિર્દીમાં પહેલી વખત આવી ઘટના બની છે.
ડૉક્ટર તરફથી એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ઘટના બાદ દર્દીના પરિવારજનોએ 200થી 250 લોકો ભેગા કરીને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને એડમિનિસ્ટ્રેટિવ બ્લોકમાં તોડફોડ કરી હતી. સમગ્ર મામલો ગંભીર બનતા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચવાનો આદેશ આપ્યો છે, જ્યારે આરોગ્ય મંત્રીએ ડૉક્ટર સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. બીજી તરફ, રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિએશન અને હિમાચલ મેડિકલ ઓફિસર્સ એસોસિએશને ડૉ. રાઘવના સમર્થનમાં નિવેદન આપી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. હાલ પોલીસ બંને પક્ષની ફરિયાદના આધારે ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel