ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન અંતર્ગત મંગળવારે (23 ડિસેમ્બર) અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ, કેરળ, છત્તીસગઢ તથા મધ્ય પ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન કુલ આશરે 95 લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, મતદાર યાદીને વધુ સ્વચ્છ, ચોક્કસ અને અદ્યતન બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
આંકડાઓ પ્રમાણે, અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં કુલ 3.10 લાખ મતદારોમાંથી 64 હજાર નામ ડ્રાફ્ટ યાદીમાંથી બહાર કરવામાં આવ્યા છે. કેરળમાં 2.78 કરોડ મતદારોમાંથી 24.08 લાખ નામ દૂર કરવામાં આવ્યા છે, જ્યારે છત્તીસગઢમાં 2.12 કરોડ મતદારોમાંથી 27.34 લાખ નામ ડ્રાફ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. સૌથી વધુ અસર મધ્ય પ્રદેશમાં જોવા મળી છે, જ્યાં 5.74 કરોડ મતદારોમાંથી 42.74 લાખ નામ દૂર કરાયા છે. આ નામ મુખ્યત્વે મૃતક મતદારો, સ્થળાંતર કરી ચૂકેલા, લાંબા સમયથી ગેરહાજર રહેલા અથવા ડુપ્લીકેટ નોંધણી ધરાવતા મતદારોના હોવાનું જણાવાયું છે.
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જે મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થયા છે, તેઓ પુનઃસામેલ થવા માટે અરજી કરી શકે છે. દાવા અને વાંધાની પ્રક્રિયા 23 ડિસેમ્બર, 2025થી 22 જાન્યુઆરી, 2026 સુધી ખુલ્લી રહેશે અને સંબંધિત મતદાર નોંધણી અધિકારી અરજી પર અંતિમ નિર્ણય લેશે. તમામ દાવા-વાંધાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરવામાં આવશે.
મતદારો ડ્રાફ્ટ મતદાર યાદીમાં પોતાનું નામ સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ, ચૂંટણી પંચના વોટર પોર્ટલ અથવા ECINET મોબાઇલ એપ દ્વારા સરળતાથી તપાસી શકે છે. જરૂર જણાય તો ઓનલાઈન ફરિયાદ કે અરજી પણ કરી શકાય છે. ચૂંટણી પંચે તમામ યોગ્ય મતદારોને અપીલ કરી છે કે તેઓ સમયસર પોતાની વિગતો ચકાસી દાવો દાખલ કરે, જેથી કોઈ પણ પાત્ર મતદાર મતાધિકારથી વંચિત ન રહી જાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel