કપડવંજ નજીક પસાર થતાં હાઇવે પર ગણતરીના કલાકોમાં થયેલ અલગ- અલગ ત્રણ અકસ્માતોમાં છ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
કપડવંજ તાલુકાના આલમપુરા પાટિયા પાસે ઈકો ગાડીના ચાલકે પોતાનું વાહન ઓવરટેક કરવા જતાં સામેથી આવતા કન્ટેનર સાથે અથડાતા ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર મુસાફરો પૈકી ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે કાર ચાલક સહિત કુલ-૮ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ જતા વરરાજાના પિતા સહિત ત્રણ લોકોનાના મોતના ગમખ્વાર બનાવના બનાવના પગલે સોરણા ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.અને પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ તાલુકાના સોરણા ગામમાં રહેતા અરવિંદભાઈ ફુલાભાઈ વાઘેલાના બંને પુત્રો ગણપત તથા દશરથના લગ્ન હોઈ કપડવંજના મહાદેવિયા,પાંખિયા ખાતે જાન ગઈ હતી. જેમાં સોરણા ગામના કલ્પેશભાઈ રાપસીંગભાઈ ખાંટની ઈકો કાર નં. જીજે ૨૭ ડીબી ૫૭૩૭માં ઈકોનો ચાલક રાજુ રામજીભાઈ રબારી હતો. દરમ્યાન મહાદેવિયાથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતા હતા, તે સમયે આલમપુરા પાસે રોડ ઉપર ઈકો કારના ચાલકે ઓવરટેક કરવા જતાં કપડવંજ તરફથી પાંખિયા તરફ આવતા કન્ટેનર સાથે ઈકો કાર અથડાઈ ધડાકાભેર અથડાઈ હતી. જેથી ઇકો કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે આઠ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈકો કાર એટલી ધડાકાભેર અથડાઈ હતી કે ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે ૧૦૮ વાન તથા કપડવંજ રૂરલ પોલીસ સ્થળે દોડી ગઈ હતી. જેમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ વાનમાં તથા અન્ય વાહનોમાં કપડવંજના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર ઈજાગ્રસ્તોને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ઈકો કારનો ચાલક તથા નજરે જોનાર અને ફરિયાદીને પણ માથાના ભાગે ઈજાઓ થતા તેઓને પણ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતના બનાવ અંગે મિતેષભાઈ રમેશભાઈ પરમારે કપડવંજ રૂરલ પોલીસ મથકમાં ઈકો કાર ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ સુત્રોએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોરણા ગામના ત્રણ પરિવારમાં માતમ છવાયો
કપડવંજ તાલુકાના સોરણા ગામમાં ગમખ્વાર અકસ્માતના પગલે ત્રણ પરિવારમાં માતમ છવાયો હતો જે પરિવારના ઘરે લગ્ન હતા ત્યાં તથા અન્ય બે પરિવારોમાં લગ્નની ખુશી – એક બાજુ ઉપર રહી ગઈ અને પરિવારોમાં ગમગીની છવાઈ હતી. જે દિકરાઓના લગ્ન હતા તેના જ પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતાં.
મૃતકોમાં અરવિંદભાઈ ફુલાભાઈ વાઘેલા, કલ્પેશભાઈ રાયસીંગભાઈ ખાંટ તથા જયંતિભાઈ સાકળભાઈ શર્મા (તમામ રહે.સોરણા. તા કપડવંજ તથા ઈજાગ્રસ્તોમાં રાજુ રામજીભાઈ રબારી-ઈકો કારના ચાલક, મિતેષભાઈ રમેશભાઈ પરમાર, પ્રવિણાભાઈ રાયસીંગભાઈ પરમાર, રાકેશભાઈ દશરથભાઈ દંતાણી, રાવજીભાઈ ફુલાભાઈ વાઘેલા, મનુભાઈ રાવજીભાઈ સોલંકી, શૈલેષભાઈ સાલમભાઈ વાઘેલા (તમામ રહે સોરણા,તા. કપડવંજ) નો સમાવેશ થાય છે.
અકસ્માતના પગલે ખેડા જિલ્લા કલેક્ટર તથા ખેડા જિલ્લા પોલીસ વડા સહિત કપડવંજ પ્રાંત અધિકારી, કપડવંજ વિભાગીય પોલીસ વડા, કપડવંજ મામલતદાર સહિત અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થળ ઉપર મુલાકાત લઈને ઉચ્ચ અધિકારીઓએ જરૂરી સૂચનો કર્યા હતાં.
બીજા અકસ્માતમાં કઠલાલ -કપડવંજ હાઇવે ઉપર આઈશર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આઇસર ચાલકે કઠલાલ-કપડવંજ રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે એક બાઈકને ટક્કર મારતાં બાઈકસવાર બે લોકોના કરુણ મોત નીપજ્યા હતાં.
મૃતકો ચીમનભાઈ કાભઈભાઈ નાયક (ઉંમર-૩૦) અને કનુભાઈ રઈજીભાઈ ઠાકોર (ઉંમર-૫૩) (બંને રહે. ભાટેરા, તા.કઠલાલ) શાકભાજી લેવા માટે કઠલાલ આવ્યા હતાં અને અકસ્માત સર્જાયો હતો. કઠલાલ-કપડવંજ રોડ પર આઇસર ગાડીના ચાલકે પુરપાટ ઝડપે આઇસર ચલાવી બાઈકસવારને ટક્કર મારી હતી. જેમાં ચીમનભાઈ નાયક અને કનુભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. દિલીપભાઈ નાયકે કઠલાલ પોલીસ મથકે અકસ્માત અંગે કરિયાદ નોંધાવી હતી.
જ્યારે ત્રીજા અકસ્માતમાં કપડવંજના ગોકાજીના મુવાડા પાસે ગાડી અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ તાલુકાના પાંખિયા- અંતિસર રોડ ઉપર આવેલ ગોકાજીના મુવાડા પાસે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આશાસ્પદ યુવક બાઈક ચાલક રવિભાઈ રમેશભાઈ (ઉ.વ.૨૭)નું મોત નિપજ્યું હતું. આમ ગણતરીના કલાકોમાં કપડવંજ પંથકના અલગ-અલગ ત્રણ અકસ્માતમાં છ લોકોના મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી