વિધાનસભાઓ દ્વારા પસાર થયેલા બિલો અંગે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિનો નિર્ણય લેવાનો સમયમર્યાદિત સમયગાળો નક્કી કરી શકાય કે નહીં – આ મહત્વપૂર્ણ સાંવિધાનિક મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો છે. રાષ્ટ્રપતિએ 12 મે 2025ના રોજ સુપ્રીમ કોર્ટને કુલ 14 પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં મુખ્ય પ્રશ્ન એ છે કે શું સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિ માટે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા માટે કોઇ નિર્ધારિત સમય મર્યાદા નક્કી કરી શકે છે? આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પુછ્યું છે કે શું રાજ્ય વિધાનસભા દ્વારા પસાર થયેલો કાયદો રાજ્યપાલની મંજૂરી વિના ભારતના બંધારણની કલમ 200 હેઠળ અમલમાં આવી શકે?
આ સમગ્ર મામલો તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી બાદ ઊભો થયો છે. બે ન્યાયાધીશોની બેન્ચે હાલમાં રજૂ થયેલા કેસમાં એવું સૂચન કર્યું કે રાજ્યપાલો બિલો મંજૂર કરવામાં મોળાશી દાખવી રહ્યાં છે, જેના કારણે રાજ્ય સરકારોના કામકાજ પર અસર પડી રહી છે. આ પ્રસ્તાવના વિરોધમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના વલણ વ્યક્ત કરતાં આ અવકાશને વિધાનસભાની સર્વોચ્ચતા સામે ગણાવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા માંગતા સંવિધાનિક રીતે મહત્વના 14 પ્રશ્નો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયા.
નિયમ મુજબ, રાષ્ટ્રપતિ દ્વારા રેફર કરવામાં આવેલા આવા પ્રકારના સાંવિધાનિક પ્રશ્નોની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટની 5 ન્યાયાધીશોની સંવિધાનિક બેન્ચ રચવામાં આવે છે. આ કેસની સુનાવણી માટે રચાયેલ બેન્ચમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ ઉપરાંત જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ એસ. નરસિંહા અને જસ્ટિસ એ.એસ. ચાંદુરકરનો સમાવેશ થાય છે. આ મહત્વની સુનાવણી હવે 22 જુલાઈ 2025ના રોજ યોજાનાર છે, જેનું પરિણામ રાજ્યપાલો અને રાષ્ટ્રપતિના કાર્યો માટે ભવિષ્યમાં માર્ગદર્શનરૂપ બની શકે છે.