બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટમાં સોમવાર, 15 સપ્ટેમ્બરે એક અત્યંત મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલા બાગચીની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં ચૂંટણી પંચ (EC)ને ચેતવણી આપતા કહ્યું કે, “અમે બિહાર SIR અંગે કોઈ આંશિક અભિપ્રાય આપી શકતા નથી. જો આ પ્રક્રિયામાં એક પણ ખામી મળી આવશે તો આખી પ્રક્રિયા રદ કરી નાખીશું.” કોર્ટએ આગળ જણાવ્યું કે, ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે અને તેની પાસે કાયદાકીય ફરજો છે. જો તે ફરજોનું પાલન કરવામાં કોઈ ખોટ જણાશે તો ન્યાયાલયે નિડરપણે હસ્તક્ષેપ કરશે.
કોર્ટએ વધુમાં એ પણ સ્પષ્ટ કર્યું કે તેનો કોઈપણ નિર્ણય માત્ર બિહાર સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર દેશમાં લાગુ પડશે. એટલે કે જો બિહારની SIR પ્રક્રિયામાં ગેરરીતિ બહાર આવશે, તો તેનું પ્રભાવ આવનારા સમયની રાષ્ટ્રીય સ્તરની મતદાર યાદી સુધારણા કવાયત પર પણ પડશે. અરજદાર પક્ષે દલીલ કરી હતી કે ચૂંટણી પંચ પોતાના મેન્યુઅલ તથા ફરજિયાત નિયમોનું પાલન કરી રહ્યું નથી અને કાયદાકીય જરૂરીયાત હોવા છતાં વાંધાઓને જાહેર ડોમેઇનમાં અપલોડ કરવામાં આવતાં નથી. એડવોકેટ પ્રશાંત ભૂષણએ આ મુદ્દો ઉઠાવતા કોર્ટએ ચૂંટણી પંચને પૂછપરછ કરી હતી અને સ્પષ્ટ જણાવ્યું હતું કે અંતિમ મતદાર યાદી પ્રકાશિત થવાથી મામલાના નિરાકરણ પર કોઈ અસર નહીં પડે. જો ખામી હશે તો કોર્ટ તેની સામે કાર્યવાહી કરશે.
અરજદારે 1 ઑક્ટોબર પહેલા કેસની સુનાવણી કરવાની માંગણી કરી હતી કારણ કે એ દિવસે અંતિમ મતદાર યાદી પ્રકાશિત થવાની છે. જો કે કોર્ટએ આ વિનંતીને અસ્વીકારી હતી અને 7 ઑક્ટોબરની તારીખ સુનાવણી માટે નક્કી કરી હતી. કોર્ટએ દશેરાની રજાઓના કારણે સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યો હતો. તેમ છતાં અરજદારોને ખાતરી અપાઈ કે અંતિમ યાદી પ્રસિદ્ધ થયા બાદ પણ જો ગેરરીતિ બહાર આવશે તો સુપ્રીમ કોર્ટ તે યાદીને ગેરકાયદે ઠરાવશે.
આ નિર્ણય એથી પણ મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચે તાજેતરમાં 10 સપ્ટેમ્બરે બેઠક બોલાવીને સ્પષ્ટ કર્યું હતું કે આવનારા મહિનાઓમાં સમગ્ર દેશમાં SIR અભિયાન ચલાવવામાં આવશે. ખાસ કરીને 2025ની શરૂઆતમાં અને ત્યારબાદ 2026ની મહત્વપૂર્ણ વિધાનસભા ચૂંટણી (અસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં)ને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા અત્યંત જરુરી ગણવામાં આવી રહી છે.
SIRનો મુખ્ય હેતુ મતદાર યાદીઓમાં સ્વચ્છતા લાવવાનો છે. આ પ્રક્રિયા હેઠળ ડુપ્લિકેટ નામો, મૃત મતદારોના નામ, અયોગ્ય મતદારો અને એક કરતાં વધુ સરનામા પર નોંધાયેલા લોકોની ઓળખ કરી તેમની એન્ટ્રીઓ દૂર કરવામાં આવશે. ચૂંટણી પંચે રાજ્યોને સૂચના આપી છે કે કોઈ પણ લાયક નાગરિકનું નામ મતદાર યાદીમાંથી છૂટી ન જાય અને સાથે અયોગ્ય નામો પણ સામેલ ન થાય. કોર્ટની સખ્ત ચેતવણીને કારણે હવે ચૂંટણી પંચ પર આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા અને કાયદાકીય ધોરણોનું પાલન કરીને પૂર્ણ કરવાની જવાબદારી વધી ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel