દક્ષિણ એશિયાના સૌથી ઘાતક હથિયારોમાં ગણાતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલે “ઓપરેશન સિંદૂર” દરમિયાન પાકિસ્તાનમાં ભારે તબાહી મચાવી હતી. મે મહિનામાં ભારતીય વાયુસેનાએ આ મિસાઇલનો ઉપયોગ પાકિસ્તાનના એક એરબેઝ પર ચોક્કસ હુમલો કરવા માટે કર્યો હતો, જેના કારણે દુશ્મનની હવાઈ શક્તિ નબળી પડી ગઈ હતી. હવે વિશ્વના સૌથી મોટા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાએ બ્રહ્મોસ મિસાઇલ ખરીદવાનો નિર્ણય કર્યો છે. આશરે $450 મિલિયન (રૂ. 3,750 કરોડ)નો આ સોદો ઇન્ડોનેશિયાની નૌકાદળને મજબૂત બનાવશે અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વધતા દબાણનો સામનો કરવા માટે મદદરૂપ બનશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની આ ડીલ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે ફક્ત રશિયન પક્ષની અંતિમ મંજૂરી મળ્યા બાદ જ કરાર પર હસ્તાક્ષર થશે. આ ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી હતી, અને જાન્યુઆરીમાં ઇન્ડોનેશિયાના ટોચના રાજકીય તથા લશ્કરી નેતૃત્વની ભારત મુલાકાત દરમિયાન આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ભારતે પહેલેથી જ ફિલિપાઇન્સને બ્રહ્મોસ મિસાઇલની સપ્લાય કરી છે અને હવે તે પોતાના સંરક્ષણ નિકાસ બજારોને વિસ્તારી રહ્યું છે.
સંરક્ષણ સૂત્રો મુજબ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે તાજેતરમાં ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી, જેને બંને દેશો વચ્ચે વધતા સંરક્ષણ સહયોગના પ્રતીક તરીકે જોવામાં આવે છે. અગાઉ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોની ભારત મુલાકાતે પણ દ્વિપક્ષીય રક્ષા સંબંધોને નવી દિશા આપી હતી.
બ્રહ્મોસ મિસાઇલની સફળતા પાછળ ભારત-રશિયા ભાગીદારીનો મહત્ત્વનો હિસ્સો છે. બ્રહ્મોસ એરોસ્પેસ કંપનીએ આ મિસાઇલ વિકસાવી હતી, જે ભારતના DRDO અને રશિયાના NPO મશીનોસ્ટ્રોયેનિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે. 1998માં શરૂ થયેલ આ પ્રોજેક્ટનો હેતુ એક એવી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બનાવવાનો હતો જે સેકન્ડોમાં દુશ્મનના જહાજો અને જમીન પરના લક્ષ્યોને ભેદી શકે.
બ્રહ્મોસનું નામ ભારતની બ્રહ્મપુત્ર નદી અને રશિયાની મોસ્કો નદી પરથી રાખવામાં આવ્યું છે. આ મિસાઇલ 2005 થી ભારતીય સશસ્ત્ર દળોમાં કાર્યરત છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે જમીન, સમુદ્ર, હવા અને સબમરીન — ચારેય માધ્યમમાંથી લોન્ચ થઈ શકે છે. તેનું વજન આશરે 3,000 કિલોગ્રામ છે, લંબાઈ 8.2 મીટર અને વ્યાસ 0.67 મીટર છે. તેની “ફાયર એન્ડ ફોરગેટ ટેકનોલોજી” તેને વિશેષ બનાવે છે — એટલે કે લોન્ચ થયા પછી તે પોતાના લક્ષ્યને શોધીને આપોઆપ નષ્ટ કરે છે.
ફિલિપાઇન્સ બાદ હવે ઇન્ડોનેશિયા સાથેનો આ સંભવિત કરાર ભારતની રક્ષા નિકાસ ક્ષમતાને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈએ પહોંચાડશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel