અમેરિકામાં ઘૂસણખોરોનો મુદ્દો રાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણીમાં ફરી એક વખત ઘૂસણખોરીની સમસ્યા મુખ્ય મુદ્દો બને તેવા ભણકારા વાગી રહ્યા છે.
રિપબ્લિકન પાર્ટી વતી ફરી ચૂંટણી લડવા માટે થનગની રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઘૂસણખોરો સામે આકરુ વલણ અપનાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે તેમણે ગેરકાયદે રીતે અમેરિકા આવતા લોકો સામે લાલ આંખ કરી હતી.
ટ્રમ્પે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે, હજારોની સંખ્યામાં અમેરિકામાં બોર્ડર ક્રોસ કરીને આવી રહેલા લોકોને હું રોકીશ. જ્યારે ઘૂસણખોરોને ખબર પડશે કે અમેરિકામાં ઘૂસતા લોકો પકડાય ત્યારે તેમને તેમના પરિવારથી અલગ કરી દેવામાં આવે છે ત્યારે તેઓ અમેરિકામાં આવતા બે વખત વિચાર કરશે.
બીજી તરફ સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીએ ઘૂસણખોરો સામે ટ્રમ્પની નીતિઓને અમાનવીય ગણાવી છે. નાગરિકોના અધિકાર માટે લડતા સંગઠનો પણ ટ્રમ્પના એલાન બાદ ચોંકી ઉઠ્યા છે અને તેઓ ટ્રમ્પને આ મુદ્દે કોર્ટમાં પડકારે તેવી પણ શક્યતા છે.
હાલમાં અમેરિકાની દક્ષિણ બોર્ડર પરથી મોટા પાયે લોકો દેશણાં ઘૂસી રહ્યા છે. ટ્રમ્પના શાસનકાળમાં આ ઘૂસણખોરી રોકવા માટે પકડાયેલા લોકોને તેમના પરિવારોથી અલગ કરી દેવાયા હતા. જેમાં માતા પિતાને જેલમાં પૂરી દેવાયા હતા અને બાળકોને શેલ્ટર હોમમાં મોકલી દેવાયા હતા.