ભારત દેશ પોતાની પહેલી બુલેટ ટ્રેનની આતુરતાથી જોઈ રાહ રહ્યો છે ત્યારે હવે થોડા જ વર્ષોમાં આ ટ્રેનમાં મુસાફરી શક્ય બનશે. એવામાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના પહેલા બુલેટ ટ્રેન ટર્મિનલની ઝલક બતાવી છે. સોશ્યલ મીડિયામાં શેર કરેલા આ વીડિયોમાં ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાના દર્શન થઈ રહ્યા છે.
Terminal for India's first bullet train!
📍Sabarmati multimodal transport hub, Ahmedabad pic.twitter.com/HGeoBETz9x
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 7, 2023
અમદાવાદના સાબરમતીમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવ્યો છે. આ ટ્રાન્સપોર્ટ હબમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન તો છે જ, સાથે સાથે મુસાફરોને અહીંથી બીજી ટ્રેન, મેટ્રો અને બસની સુવિધાઓ મળી રહેશે. 43 સેકન્ડનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે.
ભારતમાં સૌથી પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી દોડશે. સાબરમતીથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન એલિવેટેડ કોરિડોર એટલે જે પુલ ઉપર જ દોડશે. કુલ 12 સ્ટેશનો પર ટ્રેન ઊભી રહેશે અને 320 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે, ટ્રેનની મહત્તમ સ્પીડ 350 કિમી પ્રતિ કલાકની રહેશે.
બુલેટ ટ્રેનના કારણે મુસાફરોનો ઘણો સમય પણ બચશે કારણ કે માત્ર બે કલાક અને સાત મિનિટમાં આ ટ્રેન મુંબઈ પહોંચી જશે. આ યોજનામાં કુલ એક લાખ આઠ હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે જેમાં 81 ટકા રકમ જાપાન સરકાર દ્વારા ઋણના રૂપમાં આપવામાં આવી રહી છે, ભારત સરકાર 50 વર્ષમાં આ પૈસા જાપાનને પરત ચૂકવશે, જાપાન આ પ્રોજેક્ટ 0.1 ટકા વ્યાજ લેશે.
આટલું જ નહીં બુલેટ ટ્રેન સિવાય પણ મોદી સરકાર દેશના અન્ય રાજ્યોમાં હાઇ સ્પીડ રેલવે પર કામ કરી રહી છે, જેમાં 6 બીજા કોરિડોર બનાવવામાં આવશે. જેમાં દિલ્હીથી અમદાવાદ, દિલ્હીથી વારાણસી, મુંબઈથી હૈદરાબાદ, મુંબઈથી નાગપુર, ચેન્નઈથી મૈસૂર અને દિલ્હીથી અમૃતસર સામેલ છે.