જેની કેટલાએ સમયથી ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તેવા જમ્મુ-કાશ્મીર સંબંધે સંવિધાનની કલમ ૩૭૦ દૂર કરવા અંગે સર્વોચ્ચ અદાલતે આજે આપેલા આ ચૂકાદાને સહર્ષ આવકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચુકાદાને ‘ઐતિહાસિક’ ગણાવવા સાથે તેને ‘આશાની દીવાદાંડી’ સમાન ગણાવ્યો હતો. આ સાથે તેઓએ કહ્યું હતું કે, આ ચુકાદો જમ્મુ અને કાશ્મીર તથા લડાખમાં વસતાં આપણા ભાઈઓ અને બહેનો માટે તે આશા, પ્રગતિ અને એકતાનો પ્રતિધ્વનિ કરે છે.
તેઓએ વધુમાં કહ્યું, ‘આજનો સર્વોચ્ચ અદાલતનો સંવિધાનના અનુચ્છેદ ૩૭૦ અંગેનો આ ચુકાદો ભારતની સંસદે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે લીધેલા નિર્ણયને પુષ્ટિ આપે છે.’
વડાપ્રધાને જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે તેના ગહન જ્ઞાાન દ્વારા આપણા સર્વે ભારતીયો જેને ખૂબ ચાહે છે અને સર્વથી ઉપર હૃદયસ્થ રાખે છે, તે એકતાના અર્કને આ ચૂકાદાએ સંરક્ષિત કરી દીધો છે.
સર્વોચ્ચ અદાલતનો આ ચૂકાદો નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી માટે તો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે મળેલા પ્રબળ સમર્થન સમાન હોવાનું નિરીક્ષકોનું સ્પષ્ટ મંતવ્ય છે.
વાસ્તવમાં ૨૦૧૯ની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન મોદી અને તેઓની પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચાર દરમિયાન જ સંવિધાનના અનુચ્છેદ દૂર કરવાનું વચન આપ્યું હતું જે પાળી પણ બતાવ્યું, તે સામે સર્વોચ્ચ અદાલતમાં યાચિકા પણ કેટલાકે યાચિકા કરી હતી જે અંગે આજે સોમવારે સર્વોચ્ચ અદાલતે આ ઐતિહાસિક ચુકાદો આપતાં વડાપ્રધાન મોદી અને તેમની પાર્ટી પણ તેને પોતાના ઐતિહાસિક વિજય સમાન માને છે.