અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત પોતાના આક્રમક અને કડક ‘અમેરિકા ફર્સ્ટ’ અભિગમને આગળ ધપાવતા વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે જે દેશો ઈરાન સાથે વેપાર ચાલુ રાખશે, તેમના પર અમેરિકા સાથેના તમામ વેપાર પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવશે. આ નિર્ણય માત્ર ઈરાનને અલગ પાડવા પૂરતો નથી, પરંતુ તેની સીધી અસર એવા દેશો પર પડશે, જેઓ ઈરાન સાથે આર્થિક, ઊર્જા અથવા વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે. તેમાં ભારતનો સમાવેશ પણ થાય છે, જેના કારણે ભારત માટે આ નિર્ણય ગંભીર ચિંતા ઊભી કરી રહ્યો છે. આ જાહેરાત એવા સમયે આવી છે, જ્યારે ઈરાનમાં આર્થિક કટોકટીના કારણે મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, જે હવે હિંસા અને રાજકીય અસંતોષમાં ફેરવાઈ ગયા છે. આ અથડામણોમાં અનેક લોકોના મોત થયા છે અને 2,000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર સ્પષ્ટ અને કડક શબ્દોમાં પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “તાત્કાલિક અસરથી, ઈસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન સાથે વેપાર કરનાર કોઈપણ દેશે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સાથે થતા તમામ વેપાર પર 25% ટેરિફ ચૂકવવો પડશે. આ આદેશ અંતિમ અને નિર્ણાયક છે.” આનો અર્થ એ થાય છે કે જો કોઈ દેશ ઈરાન સાથે વેપાર ચાલુ રાખે છે, તો તેને અમેરિકી બજારમાં પોતાના તમામ નિકાસ પર વધારાનો શુલ્ક ભરવો પડશે, જેના કારણે તે દેશોના ઉત્પાદનો મોંઘા બનશે અને તેમની સ્પર્ધાત્મકતા ઘટશે. આ પગલાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ચીન, ભારત, યુએઈ, તૂર્કી અને ઈરાક જેવા દેશો સામેલ છે, જેમાં ચીન ઈરાનનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.
US President Donald Trump posts, "Effective immediately, any Country doing business with the Islamic Republic of Iran will pay a Tariff of 25% on any and all business being done with the United States of America. This Order is final and conclusive. Thank you for your attention to… pic.twitter.com/7hcmWX7vmH
— ANI (@ANI) January 12, 2026
ભારતની વાત કરીએ તો, ભારત ઈરાનના ટોચના પાંચ વેપારી ભાગીદારોમાં સામેલ છે. વર્ષ 2024-25 દરમિયાન ભારત અને ઈરાન વચ્ચે કુલ વેપાર આશરે 1.68 અબજ ડોલર રહ્યો હતો. ભારત પહેલેથી જ રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા 50% ટેરિફનો સામનો કરી રહ્યું છે. હવે જો ઈરાન સાથેના વેપારને કારણે વધુ 25% ટેરિફ લાગુ કરવામાં આવે છે, તો ભારતીય માલ પર અમેરિકામાં કુલ શુલ્ક 75% સુધી પહોંચી શકે છે, જે ભારતીય નિકાસકારો માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને ટેક્સટાઈલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ અને આઈટી સેવાઓ જેવા ક્ષેત્રોને મોટો ફટકો લાગી શકે છે, કારણ કે આ સેક્ટર્સ ભારતની અમેરિકામાં થતી નિકાસનો મોટો હિસ્સો ધરાવે છે. વધારાના ટેરિફને કારણે ભારતીય ઉત્પાદનો અમેરિકન બજારમાં મોંઘા થશે અને ચીન અથવા અન્ય દેશોના ઉત્પાદનો સામે સ્પર્ધા કરવી મુશ્કેલ બની જશે.
ઉર્જા અને કૃષિ ક્ષેત્રમાં પણ તેની અસર પડી શકે છે. ભૂતકાળમાં ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદતું હતું, પરંતુ અમેરિકી પ્રતિબંધોને કારણે તે લગભગ બંધ થઈ ગયું હતું. હાલ ભારત ઈરાનને ચોખા, ચા અને અન્ય કૃષિ ઉત્પાદનોની નિકાસ કરે છે, પરંતુ નવા ટેરિફના ભયને કારણે આ વેપાર પણ ખોરવાઈ શકે છે. આ ઉપરાંત, ઈરાનમાં આવેલું ચાબહાર પોર્ટ ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે, કારણ કે તે ભારતને પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવાનો માર્ગ આપે છે. અત્યાર સુધી ભારતને ચાબહાર પોર્ટ માટે અમેરિકાથી છૂટછાટ મળતી આવી છે, પરંતુ ટ્રમ્પના આ નવા કડક વલણ હેઠળ આ છૂટછાટ ચાલુ રહેશે કે નહીં તે અનિશ્ચિત બની ગયું છે. જો પ્રતિબંધો વધુ કડક બને, તો ચાબહાર પોર્ટના સંચાલન, રોકાણ અને ભારતની વ્યૂહાત્મક યોજનાઓ પર ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.
કુલ મળીને જોવામાં આવે તો ટ્રમ્પનો આ નિર્ણય ભારત માટે ‘તલવારની ધાર પર ચાલવા’ જેવી સ્થિતિ ઊભી કરે છે. એક તરફ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક, સુરક્ષા અને વેપાર સંબંધો છે, અને બીજી તરફ ઈરાન સાથેના ઐતિહાસિક સંબંધો તથા મધ્ય એશિયા સુધી પહોંચવાનો મહત્વપૂર્ણ માર્ગ છે. હવે ભારત સરકાર આ બે વચ્ચે સંતુલન કેવી રીતે સાધે છે અને પોતાના રાષ્ટ્રીય હિતોને કેવી રીતે સુરક્ષિત રાખે છે, તેના પર આવનારા સમયમાં ભારતના આર્થિક અને વ્યૂહાત્મક સમીકરણો ઘણાં અંશે નિર્ભર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel