ઑસ્ટ્રેલિયાએ 8 જાન્યુઆરી 2026થી ભારત સહિત નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનથી આવતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયાને વધુ કડક બનાવી દીધી છે. આ ચાર દક્ષિણ એશિયાઈ દેશોને હવે ‘સૌથી વધુ જોખમ’વાળી શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, જેના કારણે આ દેશોના વિદ્યાર્થીઓ માટે ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે વિઝા મેળવવો અગાઉની તુલનામાં ઘણો મુશ્કેલ બનશે. અહેવાલો મુજબ, ઑસ્ટ્રેલિયન સરકારે સિમ્પ્લિફાઇડ સ્ટુડન્ટ વિઝા ફ્રેમવર્ક (SSVF) હેઠળ આ દેશોને Evidence Level-2માંથી હટાવીને Evidence Level-3માં સામેલ કર્યા છે. Evidence Level-3નો અર્થ એ છે કે હવે વિદ્યાર્થીઓએ વિઝા અરજી દરમિયાન વધુ કડક અને વિગતવાર પુરાવા રજૂ કરવા પડશે. તેમાં બેન્ક સ્ટેટમેન્ટની મેન્યુઅલ ચકાસણી, વધારાના અંગ્રેજી ભાષા પરીક્ષા પ્રમાણપત્રો, શૈક્ષણિક પૃષ્ઠભૂમિ સંબંધિત દસ્તાવેજો અને અગાઉના અભ્યાસની વિગતવાર માહિતી સામેલ છે. એટલું જ નહીં, વિઝા અધિકારીઓને શંકા જણાય તો તેઓ કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અથવા રેફરીઝ સાથે સીધો સંપર્ક કરીને માહિતીની ખાતરી પણ કરી શકશે.
Police in India have allegedly seized 100,000 forged certificates from 22 universities, with 1 million plus likely used for jobs abroad.
I warned about this in August (and asked questions during October Estimates) — 23,000 foreign students in Australia were found with… pic.twitter.com/nJj6BHvGiV
— Malcolm Roberts 🇦🇺 (@MRobertsQLD) January 6, 2026
આ નવા નિયમોના કારણે સ્ટુડન્ટ વિઝા પ્રોસેસિંગનો સમય પણ નોંધપાત્ર રીતે વધશે. જ્યાં અગાઉ વિઝા પ્રક્રિયા સામાન્ય રીતે લગભગ 3 અઠવાડિયામાં પૂરી થઈ જતી હતી, ત્યાં હવે તે 6થી 8 અઠવાડિયા અથવા ક્યારેક તેથી વધુ સમય લઈ શકે છે. સરકાર દ્વારા સત્તાવાર રીતે આ નિર્ણય પાછળનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે કેરળમાં તાજેતરમાં સામે આવેલા મોટા નકલી ડિગ્રી રેકેટના ખુલાસા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ મામલાએ ઑસ્ટ્રેલિયામાં રાજકીય અને નીતિગત સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે.
ઑસ્ટ્રેલિયન સેનેટર માલ્કમ રોબર્ટ્સે 6 જાન્યુઆરીએ X (પૂર્વે ટ્વિટર) પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ભારતમાં પોલીસે કથિત રીતે 22 યુનિવર્સિટીઓમાંથી લગભગ 1 લાખ ફર્જી સર્ટિફિકેટ જપ્ત કર્યા છે અને આશરે 10 લાખ નકલી ડિગ્રી પહેલેથી જ વિદેશોમાં નોકરીઓ માટે વપરાઈ ચૂકી હોવાની આશંકા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ઑસ્ટ્રેલિયામાં લગભગ 23,000 વિદેશી વિદ્યાર્થીઓ ખરીદેલી અથવા નકલી ડિગ્રીઓ સાથે મળી આવ્યા છે, જેમાંથી ઘણા વૃદ્ધોની સંભાળ અને નાના બાળકોના શિક્ષણ જેવા અતિ સંવેદનશીલ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હતા. રોબર્ટ્સે આ બાબતે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે તેમણે મંત્રીને પ્રશ્ન પૂછ્યા છતાં યોગ્ય કાર્યવાહી કરવાને બદલે બહાનાં અને ગેરમાર્ગે દોરતા જવાબો આપવામાં આવ્યા છે.
જોકે ઑસ્ટ્રેલિયન સરકારે ભારતને ‘હાઈ રિસ્ક’ અથવા Evidence Level-3માં મૂકવાનું સત્તાવાર કારણ જાહેર કર્યું નથી, તેમ છતાં કેરળમાં નકલી ડિગ્રી કૌભાંડ અને તેની આંતરરાષ્ટ્રીય ચર્ચાને આ નિર્ણય સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. આ ઘટનાથી માત્ર ભારતીય વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાઈ પ્રદેશના વિદ્યાર્થીઓ પર અસર પડી શકે છે. સાથે સાથે, વૈશ્વિક સ્તરે શિક્ષણ ક્ષેત્રમાં છેતરપિંડી, નકલી ડિગ્રી અને વિઝા દુરુપયોગ સામે તપાસ અને નિયમો વધુ કડક થવાની સંભાવના પણ વધી ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel