દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા લગ્નપ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ભોજન લીધા બાદ એકસાથે 400થી વધુ મહેમાનોની તબિયત બગડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, 20 એપ્રિલની સાંજે યોજાયેલા લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં મહેમાનો ભોજન માટે એકત્ર થયા હતા. જમ્યા બાદ થોડા જ સમયમાં અનેક લોકોને ઝાડા-ઊલટી અને અસ્વસ્થતાની ફરિયાદ શરૂ થતાં તાત્કાલિક સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનામાં આશરે 200 દર્દીઓને વિવિધ ખાનગી હોસ્પિટલો ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 200 જેટલા લોકોને ગામમાં જ મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની મદદથી દર્દીઓને ઝડપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાહતની વાત એ છે કે હાલ સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાથી તબીબો સતત નજર રાખી રહ્યા છે.
પ્રાથમિક તપાસ મુજબ લગ્નમાં પીરસાયેલ ‘કેરીનો રસ’ અને ‘પનીરનું શાક’ ફૂડ પોઈઝનિંગનું કારણ હોઈ શકે છે. ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
તંત્ર દ્વારા ભોજનના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો તપાસમાં કોઈ બેદરકારી સામે આવશે, તો સંબંધિત કેટરર્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel