સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) ઈરાન વિરુદ્ધ મહત્વપૂર્ણ રાજનૈતિક પગલું લેવામાં આવ્યું છે. ભારતે તે પ્રસ્તાવને સ્પોન્સર કર્યું છે જેમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના દેશો અને જોર્ડન પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની કડક નિંદા કરવામાં આવી છે. પ્રસ્તાવમાં ઈરાનને તાત્કાલિક તમામ પ્રકારના હુમલા બંધ કરવાની માંગ કરવામાં આવી છે અને હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની તેની ધમકીઓને ગંભીર ચિંતા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પગલાને મધ્યપૂર્વમાં વધતી અસ્થિરતા અને દરિયાઈ સુરક્ષાને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા તરીકે જોવામાં આવી રહી છે.
15 સભ્યોની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ પસાર
બુધવારે 15 સભ્યોની સુરક્ષા પરિષદે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. મતદાનમાં 13 દેશોએ પ્રસ્તાવના પક્ષમાં મત આપ્યો હતો જ્યારે વિરોધમાં કોઈ મત પડ્યો નહોતો. જોકે વીટો પાવર ધરાવતા કાયમી સભ્યો ચીન અને રશિયાએ મતદાનથી અંતર જાળવ્યું હતું. હાલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ અમેરિકા પાસે છે. બહેરીનના નેતૃત્વ હેઠળ લાવવામાં આવેલા આ પ્રસ્તાવને ભારત સહિત કુલ 135 દેશોએ સહ-પ્રાયોજિત કર્યો હતો. તેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુએઈ, બ્રિટન અને અમેરિકા જેવા મહત્વપૂર્ણ દેશોનો સમાવેશ થાય છે.
BREAKING: The UN Security Council has adopted a Bahrain-led resolution on the escalating crisis in the Middle East.
RESULT
In Favor: 13
Against: 0
Abstain: 2 (China and Russia) pic.twitter.com/fkNxaP6UFR
— UN News (@UN_News_Centre) March 11, 2026
GCC દેશોની અખંડિતતાનું સમર્થન
પ્રસ્તાવમાં બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને જોર્ડનની પ્રાદેશિક અખંડિતતા અને રાજકીય સ્વતંત્રતાનું મજબૂત સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ દેશો પર ઈરાનના હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને વૈશ્વિક શાંતિ માટે ગંભીર ખતરો ગણાવવામાં આવ્યો છે. સાથે જ ઈરાનને GCC દેશો અને જોર્ડન વિરુદ્ધની આક્રમક કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા તેમજ પ્રોક્સી જૂથો દ્વારા કરવામાં આવતી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ રોકવા અપીલ કરવામાં આવી છે.
દરિયાઈ સુરક્ષા અંગે ચિંતા
પ્રસ્તાવમાં ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની અને બાબ અલ-મંડેબ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાં સુરક્ષા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. ઈરાન દ્વારા આ વિસ્તારોમાં નેવિગેશનને જોખમમાં મૂકે તેવી કોઈપણ ધમકીની કડક નિંદા કરવામાં આવી છે. ઉપરાંત નાગરિક વિસ્તારો અને રહેણાંક મિલકતો પર થયેલા હુમલામાં નિર્દોષ નાગરિકોના મોત અંગે પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.
અમેરિકાની કડક પ્રતિક્રિયા
યુએનમાં અમેરિકાના પ્રતિનિધિ રાજદૂત માઈક વાલ્ટ્ઝે આ પ્રસ્તાવ પસાર થવાને ઈરાન સામે ખાડી દેશોની એકતા અને મજબૂત સંદેશ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઈરાન નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવી રહ્યું છે જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. વાલ્ટ્ઝે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરતા કહ્યું કે ટ્રમ્પ અને તેમની ટીમે શાંતિ માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ ઈરાને મિસાઈલ, ડ્રોન અને પરમાણુ હથિયારોના માર્ગને પસંદ કર્યો. તેમણે ચેતવણી આપી કે ઈરાને અમેરિકાની ‘રેડ લાઈન’ પાર કરી છે અને તેને તેના પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
ઈરાનનો જવાબ અને આક્ષેપો
બીજી તરફ, યુએનમાં ઈરાનના કાયમી પ્રતિનિધિ રાજદૂત અમીર સઈદ ઇરાવનીએ આ કાર્યવાહીનું તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમણે દાવો કર્યો કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સંઘર્ષ દરમિયાન અમેરિકા અને ઈઝરાયલના સૈન્ય હુમલાઓને કારણે ભારે જાનહાનિ થઈ છે. તેમના જણાવ્યા મુજબ આ હુમલાઓમાં 1348થી વધુ નાગરિકોના મોત થયા છે જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે 17,000થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇરાવનીએ જણાવ્યું કે 19,734થી વધુ નાગરિક સ્થળો, જેમાં હજારો ઘરો, હોસ્પિટલો અને શાળાઓનો સમાવેશ થાય છે, નુકસાનગ્રસ્ત થયા છે.
ઈરાનના પ્રતિનિધિએ હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની વાતને પણ સંપૂર્ણપણે નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું કે ઈરાનની કાર્યવાહી માત્ર રક્ષણાત્મક છે અને તે માત્ર વિસ્તારમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવી રહી છે. ઇરાવનીએ જણાવ્યું કે ઈરાન પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને સ્થિર સંબંધો જાળવવા માંગે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel