નર્મદા જિલ્લામાં ૧૦ મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે તા.૧૭મી સપ્ટેમ્બર-૨૦૨૪થી શરૂ થયેલા ૧૦ મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રના ભાગરૂપે નર્મદા જિલ્લાના તમામ પાંચેય તાલુકાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લામાં ૧૦ મા તબક્કાનો અંતિમ સેવાસેતુ કાર્યક્રમ તા.૨૨મી ઓક્ટોબર, મંગળવારના રોજ દેડિયાપાડા તાલુકાના ચીકદા ગામે અને સાગબારા તાલુકાના કોલવાણ ગામે યોજાયો હતો. દેડિયાપાડા મામલતદારશ્રી એસ.વી.વિરોલાની અધ્યક્ષતામાં ચીકદા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા તથા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ખાનસિંગભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સેવા સેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય થકી ખુલ્લો મૂક્યા બાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું કે, છેવાડાનો માનવી રાજ્ય અને કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય, તેના ઘર પાસે જ નાના-મોટા પ્રશ્નોનો નિકાલ લાવી તેની સમસ્યાનું સમાધાન કરી શકાય તે માટે આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી સરકાર નાગરિકોના ઘર આંગણે આવે છે. જે નાગરિકો તાલુકાકક્ષા સુધી જઈ શકતા નથી, શારીરિક અશક્ત છે તેઓ આ કાર્યક્રમના માધ્યમથી પોતાના પ્રશ્નો રજૂ કરી તેનો હલ મેળવી શકે છે. ખાસ કરીને આદિવાસી સમુદાય માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે સેવા સેતુના માધ્યમથી સરકારશ્રીની સેવા-યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો જે આશય છે તેને આપણે સૌ સાથે મળી સિદ્ધ કરીએ તેવી અપીલ પણ કરી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું કે, સેવા સેતુના માધ્યમથી સરકારશ્રીની વિવિધ ૫૫ જેટલી સેવાઓનો એક જ સ્થળે લાભ મળી રહે છે અને દરેક વિભાગના અધિકારીશ્રીઓ પણ સ્થળ પર હાજર છે ત્યારે નાગરિકો પણ સામે ચાલીને કાર્યક્રમનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સરકારશ્રીની આયુષ્યમાન કાર્ડ યોજના ગરીબ પરિવારો માટે ખૂબજ આશિર્વાદરૂપ છે, તેનું કાર્ડ કઢાવવા અને તેનો લાભ લેવા સૌએ આગળ આવવું જોઈએ. આવાસ યોજનાના લાભાર્થીઓ જો સમયસર છ મહિનાના ગાળામાં કામગીરી પૂર્ણ કરે તો તેને વધારાની સહાય પણ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે. સાથે અહીં ચીકદા ખાતે ૨૨૦ કેવી સબસ્ટેશનની મંજૂરી સરકારશ્રી દ્વારા આપી દેવામાં આવી છે ત્યારે તેનું નિર્માણ કાર્ય ઝડપભેર થાય અને આસપાસના વિસ્તારના લોકોને વધુ સરળતાથી વીજળી મળતી થાય તેવા સરકારના આ યજ્ઞમાં આપણે સૌ સહભાગી બની વિકાસમાં યોગદાન આપીએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી લાભ મેળવનાર લાભાર્થી શ્રી અભિરામભાઈ તડવીએ જણાવ્યું હતું કે, મારે રેશનકાર્ડમાં પરિવારના સભ્યોના નામમાં સુધારો કરાવવાનો હતો. હાલમાં ખેતીકામ ચાલતું હોવાથી તાલુકા મથકે જઈએ તો આખો દિવસ નીકળી જાય, પરંતુ અમને ગ્રામ પંચાયતના તલાટી- સરપંચ દ્વારા જાણ થઈ કે ચીકદા ગામે સેવાસેતુ કાર્યક્રમ થવાનો છે. આ કાર્યક્રમમાં આવતાં અહીં ઉપસ્થિત અધિકારીશ્રીઓએ મારું કામ સરળતાથી અને ખૂબજ ઝડપભેર કરી આપ્યું છે તેથી મારો સમય પણ બચી ગયો છે અને હું અહીંથી ઘરે ગયા પછી ખેતીનું કામ પણ કરી શકીશ. આ કાર્યક્રમના માધ્યમથી થઈ રહેલી કામગીરી ખૂબજ સારી છે, અન્ય લોકોએ પણ આ કાર્યક્રમનો લાભ લેવો જોઈએ.
વીજ જોડાણ અને મીટરમાં નામ ફેરફારના કામ અર્થે આવેલા દાભવણ ગામના વતની શ્રી મનીષભાઈ વસાવાએ જણાવ્યું કે, અમારે લાઈટબીલમાં છેલ્લા કેટલાક સમયથી નામ ફેર બાબતે સમસ્યા હતી. મારી માતાના નામે મીટર ફેરવવા માટે કાર્યવાહી કરવાની હતી પરંતુ તે ઘણી લાંબી પ્રક્રિયા હતી. આજે ચીકદા ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં મારો પ્રશ્ન અને જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત થતાં અહીં આવેલા વીજ વિભાગના અધિકારીશ્રીઓએ મારો પ્રશ્ન સાંભળી જરૂરી કાર્યવાહી કરી અમારી અરજી સ્વીકારી છે. થોડા દિવસોમાં મારા પ્રશ્નનો હલ આવશે તેવું આશ્વાસન મળ્યું છે. પોતાનું કામ ઝડપભેર પૂર્ણ થતા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવા બદલ તેઓએ સરકારશ્રીનો ભારોભર આભાર વ્યક્ત કર્યો હતો.
ચીકદા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૨૧ પંચાયતોમાં સમાવિષ્ટ ૬૧ ગામોના ગ્રામજનો જ્યારે સાગબારા તાલુકાના કોલવાણ ગામે ૩૪ ગામના લોકોએ રાજ્ય સરકારની ૫૫ જેટલી વિવિધ સેવાઓના નાના-મોટા લાભો લીધા હતા.
આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત ચીકદાના સરપંચ શ્રીમતી લતાબેન વસાવા, સ્થાનિક અગ્રણી ઈશ્વરભાઈ વસાવા, તાલુકા આઈસીડીએસ વિભાગના સીડિપીઓ શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરી, પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, વિવિધ વિભાગોના અઘિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.