‘દર્દી દેવો ભવઃ’ સૂત્ર મૂલ્ય સાથે ગોહિલવાડની સુપ્રસિધ્ધ શિશુવિહાર સંસ્થા દ્વારા ૫૮ વર્ષથી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ દ્વારા વીસ હજારથી વધુ દર્દીઓને આંખની શસ્ત્રક્રિયાનો નિઃશુલ્ક લાભ મળ્યો છે. આંખનાં સવા લાખથી વધુ દર્દીઓને નિદાન સાથે સારવાર મળી છે.
સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ સારવાર સંસ્થા એટલે રાજકોટ પાસે વીરનગર સ્થિત શ્રી શિવાનંદ આંખનાં દવાખાના દ્વારા ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં નેત્રયજ્ઞ આયોજનો થતાં રહ્યાં છે. શિશુવિહારનાં સ્થાપક માનભાઈ ભટ્ટ (માન દાદા) અને શિવાનંદ સંસ્થાનાં પ્રેરણાશ્રોત શિવાનંદ અધ્વર્યુંજીની દિવ્ય મિત્રતાનો લાભ ભાવનગર અને પૂરા પંથકને મળી રહ્યો છે.
શિશુવિહાર સંસ્થાનાં વડા નાનકભાઈ ભટ્ટ કહે છે તે મુજબ વર્ષ ૧૯૬૮થી પ્રભુકૃપા નેત્રયજ્ઞ સેવા અભિયાન ચાલી રહેલ છે. આ નેત્રયજ્ઞમાં વિવિધ સંસ્થાઓ અને દાતાઓનો પૂરતો સહયોગ રહ્યો છે. પ્રારંભે શાંતિલાલ શેઠ, આશાબેન અરુણભાઈ ઝવેરી, જયંતભાઈ વાનાણી, મૂળરાજસિંહ રાણા, નંદલાલ મણિશંકર પંડ્યા, કનુભાઈ શાહ વગેરે પરિવાર દ્વારા અને એ ઉપરાંત અન્ય દાતાઓ સહયોગી બની રહેલ છે. એક કે તેથી વધુ નેત્રયજ્ઞ શિબિર સહયોગી દાતાઓની પણ યાદી મોટી છે.
‘દર્દી દેવો ભવઃ’ સૂત્ર મૂલ્ય સાથે ગોહિલવાડની શિશુવિહાર સંસ્થા દ્વારા ૫૮ વર્ષથી ચાલતાં આ પ્રભુકૃપા નેત્રયજ્ઞ દ્વારા વીસ હજારથી વધુ દર્દીઓને આંખની બીમારીઓ મોતિયો બિંદુ, ઝામર વગેરે બીમારીની શસ્ત્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળ્યો છે. અહીંયા વયસ્કોને દૃષ્ટિ ચકાસણી સાથે વિનામૂલ્યે ચશ્મા વિતરણ થાય છે, જેમાં ભૂપતભાઈ શાહ અને સુધાબેન કનુભાઈ શાહ સંસ્થાનાં સૌજન્યનો લાભ મળ્યો છે.
વીરનગર સ્થિત શ્રી શિવાનંદ આંખનાં દવાખાના દ્વારા નિષ્ણાત તબીબો દ્વારા ભાવનગર શિશુવિહારમાં નિદાન કરવામાં આવે છે, તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વીરનગર લઈ જવામાં આવે છે. આટલાં વર્ષોમાં આંખનાં સવા લાખથી દર્દીઓને આ નિદાન સાથે સારવાર મળી છે.
આંખના દર્દીઓને આ દરમિયાન ગરમ ધાબળા, ભોજન, કપડા વગેરે સહાય પણ મળતી રહે છે.
શિશુવિહારના આ ‘માનવ સેવા એ જ પ્રભુસેવા’ કાર્યમાં રવિન્દ્રનાથ ટાગોરનાં અંતેવાસી ગુરુદયાળ મલ્લિકજી, દિવ્ય જીવન સંઘના વડા સ્વામી ચિદાનંદજી મહારાજ, જૈનાચાર્ય ચિત્રભાનુજી, સ્વામી તદરૂપાનંદજી, મોરારિબાપુ સહિત વિવિધ ક્ષેત્રના સામાજિક મહાનુભાવો આ પ્રવૃત્તિથી પ્રભાવિત રહ્યાં છે.
શિશુવિહારના સ્થાપક માનદાદા દ્વારા નેત્રયજ્ઞ સાથે ચક્ષુદાનની પણ વિક્રમરૂપ સેવા પ્રવૃત્તિ રહી. રક્તદાન, ચક્ષુદાન તેમજ દેહદાનની પ્રવૃત્તિઓમાં શિશુવિહાર ભાવનગર મોખરે રહ્યું છે, જે ગૌરવરૂપ બાબત છે.
સરકાર દ્વારા ચાલતી અંધત્વ નિવારણ યોજના સાથે આ સંસ્થાઓ દ્વારા થઈ રહેલ માનવ સેવાના સંવેદનશીલ કાર્યનો ગરીબ અને મધ્યમવર્ગને લાભ મળી રહ્યો છે.
શિશુવિહારમાં નેત્રયજ્ઞ માટે સંસ્થાનાં અનિલભાઈ બોરીચાનાં સંકલન સાથે હિનાબેન ભટ્ટ અને ધર્મેશભાઈ વડોદરિયા વગેરે કાર્યકર્તાઓ દર્દીઓ માટે તપાસ, નિદાન, ભોજન અને જરૂરી સામગ્રી તેમજ વીરનગર દવાખાને લઈ જવા સાથે તેમના માટેની ઝીણવટભરી કાળજી લેતાં રહે છે. આ ઉપરાંત વ્યવસ્થામાં મંગળસિંહ પરમાર, અનિલભાઈ જોષી અને કમલેશભાઈ વેગડ રહે છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel