ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા ધામ અને પંચકોશી પરિક્રમા માર્ગની ધાર્મિક પવિત્રતા અને પરંપરાગત મર્યાદા જાળવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારએ સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે આ સમગ્ર પવિત્ર વિસ્તારમાં હવે નોનવેજ ખોરાકના વેચાણ પર તો પ્રતિબંધ રહેશે જ, સાથે સાથે ઑનલાઇન ફૂડ ડિલિવરી એપ્સ મારફતે પણ નોનવેજ ભોજન મંગાવવું સંપૂર્ણપણે બંધ રહેશે.
પ્રશાસનના જણાવ્યા મુજબ આ પગલું અયોધ્યા આવતા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, ધાર્મિક ભાવનાઓ અને સ્થાનિક રહેવાસીઓની લાગણીઓના સન્માન માટે લેવામાં આવ્યું છે. અત્યાર સુધી દુકાનો અને રેસ્ટોરાંમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં લોકો Zomato, Swiggy જેવી એપ્સ દ્વારા નોનવેજ ખોરાક મંગાવી રહ્યા હોવાની ફરિયાદો સતત મળી રહી હતી, જેને ગંભીરતાથી લઈને સરકારે હવે ઑનલાઇન ડિલિવરી પર પણ સંપૂર્ણ રોક લગાવી દીધી છે.
સરકારી આદેશ મુજબ આ પ્રતિબંધ માત્ર રેસ્ટોરાં પૂરતો સીમિત નહીં રહે, પરંતુ ગેસ્ટ હાઉસ, હોમસ્ટે, ઢાબા અને અન્ય તમામ ખોરાક પીરસતી જગ્યાઓ પર પણ લાગુ રહેશે. પ્રશાસનનું કહેવું છે કે અયોધ્યા ધામ અને પંચકોશી પરિક્રમા માર્ગ સંપૂર્ણ રીતે ધાર્મિક અને આધ્યાત્મિક વિસ્તાર છે, જ્યાં ભક્તો શાંતિ, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આવે છે, તેથી અહીં કોઈ પણ રીતે નોનવેજ ભોજનની હાજરી યોગ્ય નથી.
રાજ્ય સરકારે આ નિર્ણયના કડક અમલ માટે સતત નિરીક્ષણ અને ચેકિંગના આદેશ આપ્યા છે અને તમામ દુકાનદારો, હોટલ સંચાલકો તેમજ ઑનલાઇન ફૂડ ડિલિવરી કંપનીઓને નિયમોની જાણ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આ નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે તો તેના વિરુદ્ધ સખ્ત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી અયોધ્યાની આધ્યાત્મિક ઓળખ વધુ મજબૂત બનશે અને શ્રદ્ધાળુઓને સંપૂર્ણપણે પવિત્ર, શાંત અને ધાર્મિક વાતાવરણ મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel