અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સૈન્ય અથડામણ અને હુમલાઓ શરૂ થતાં સમગ્ર વિશ્વના નાણાકીય બજારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના જોખમને કારણે રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે, જેના પરિણામે શેરબજાર, કોમોડિટી માર્કેટ અને ઓઈલ માર્કેટમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. ભારત પણ આ અસરથી અછૂત રહ્યું નથી અને સ્થાનિક બજારોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો
ભારતીય શેરબજારમાં ગુરુવારે કારોબારની શરૂઆતથી જ નકારાત્મક વલણ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ બુધવારના 73,983.18 પોઈન્ટના ક્લોઝિંગ સામે આજે 73,615.99 પોઈન્ટ પર ખુલ્યો હતો. ત્યારબાદ વેચવાલી વધતા તે 73,518.75 પોઈન્ટના દિવસના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. એટલે કે બજાર ખુલતાની સાથે જ લગભગ 465 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.
બીજી તરફ એનએસઈ નિફ્ટી પણ દબાણ હેઠળ જોવા મળ્યો હતો. બુધવારે 23,214.95 પોઈન્ટ પર બંધ થયેલો નિફ્ટી આજે 23,104.40 પર ખુલ્યો હતો અને બાદમાં 23,072.05 સુધી ગગડી ગયો હતો. નિફ્ટીમાં આશરે 142 પોઈન્ટનો ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ચિંતા વધી ગઈ હતી.
સોના-ચાંદીના બજારમાં પણ ભારે ઉથલપાથલ
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સામાન્ય રીતે સોનામાં તેજી જોવા મળતી હોય છે, પરંતુ સ્થાનિક વાયદા બજારમાં આજે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે 1,48,017 રૂપિયાના સ્તરે બંધ થયેલું સોનું આજે 1,46,518 રૂપિયાએ ખુલ્યું હતું અને ત્યારબાદ 1,46,444 રૂપિયા સુધી નીચે સરકી ગયું હતું. એટલે કે સોનામાં એક જ દિવસમાં આશરે ₹1,573નો ઘટાડો નોંધાયો હતો.
ચાંદીના ભાવમાં તો વધુ મોટો કડાકો જોવા મળ્યો હતો. ગઈકાલે 2,35,505 રૂપિયા પર બંધ થયેલી ચાંદી આજે 2,31,671 રૂપિયાએ ખુલ્યા બાદ 2,30,493 રૂપિયા સુધી ગગડી ગઈ હતી. આ દરમિયાન ચાંદીમાં ₹5,012 સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે બાદમાં ખરીદી પાછી ફરતા ચાંદીના ભાવમાં થોડું સુધારું આવ્યું અને સમાચાર લખાય રહ્યા હતા ત્યારે ચાંદી 2,33,490 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી હતી.
બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં ભડકો, મોંઘવારીનો ખતરો વધ્યો
અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવની સૌથી મોટી અસર વૈશ્વિક ક્રૂડ ઓઈલ માર્કેટ પર જોવા મળી રહી છે. મધ્ય પૂર્વ વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક વિસ્તારોમાંનો એક હોવાથી યુદ્ધની આશંકાએ સપ્લાય અંગે ચિંતા વધારી છે.
ગઈકાલે 90 ડૉલરની નજીક પહોંચેલું બ્રેન્ટ ક્રૂડ આજે વધીને 94.84 ડૉલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. જો ક્રૂડ ઓઈલના ભાવમાં આ તેજી યથાવત રહે તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી બંને પર તેની સીધી અસર પડી શકે છે.
રૂપિયો પણ કમજોર, આયાત ખર્ચ વધવાની આશંકા
વૈશ્વિક અનિશ્ચિતતા અને ડૉલરની માંગ વધતાં ભારતીય રૂપિયો પણ દબાણ હેઠળ જોવા મળ્યો હતો. આજે રૂપિયો ડૉલરની સામે આશરે 22 પૈસા કમજોર થયો હતો. હાલમાં એક અમેરિકી ડૉલર સામે રૂપિયો 95.48ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
રૂપિયાની નબળાઈને કારણે ભારત માટે ક્રૂડ ઓઈલ સહિતની આયાત વધુ મોંઘી બની શકે છે. જેના કારણે આગામી સમયમાં મોંઘવારીમાં વધારો થવાની શક્યતા પણ વધી રહી છે.
રોકાણકારો માટે શું છે સંકેત?
વિશ્લેષકોના જણાવ્યા અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ જો વધુ વધશે તો વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધુ વધી શકે છે. શેરબજારમાં વધતી વોલેટિલિટી, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને કમજોર રૂપિયો ભારતીય અર્થવ્યવસ્થા માટે પડકારરૂપ બની શકે છે. રોકાણકારોને હાલ સાવધાનીપૂર્વક રોકાણ કરવાની અને વૈશ્વિક ઘટનાઓ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel