તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી અને તેમના પૂર્વ પક્ષ સહયોગીઓ તેમજ નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI)ના કેટલાક સાંસદો વચ્ચે લોકસભામાં તીખી તકરાર સર્જાઈ હતી. મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂક, દુર્વ્યવહાર અને અસંસદીય ટિપ્પણીઓ કરવાના આરોપ બાદ કલ્યાણ બેનર્જીને બુધવારે ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ ઘટનાને કારણે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી. આરોપ છે કે બેનર્જીએ TMC છોડીને NCPIમાં જોડાયેલા એક સાંસદને ‘ચોર’ પણ કહ્યા હતા. ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ લોકસભા ચેમ્બરની અંદર બંને પક્ષના સાંસદો સામસામે આવી જતાં વાતાવરણ વધુ તંગ બન્યું હતું.
મહિલા સાંસદોની લેખિત ફરિયાદ સ્પીકર સુધી પહોંચી
લોકસભાની કાર્યવાહી બે વખત સ્થગિત થયા બાદ બપોરે 2 વાગ્યે ફરી શરૂ થઈ હતી. તે સમયે પીઠાસીન સભાપતિ કૃષ્ણ પ્રસાદ તેન્નેટીએ ગૃહને જણાવ્યું કે કલ્યાણ બેનર્જી વિરુદ્ધ કેટલીક મહિલા સભ્યોએ લેખિત ફરિયાદ નોંધાવી છે.
તેમણે જણાવ્યું કે કલ્યાણ બેનર્જીએ મહિલા સાંસદો સામે કથિત રીતે અસંસદીય ટિપ્પણીઓ કરી હતી. આ પ્રકારનું વર્તન ગૃહની ગરિમા અને સંસદીય પરંપરાઓ વિરુદ્ધ હોવાનું જણાવતાં તેમણે ઘટનાને અત્યંત વાંધાજનક ગણાવી હતી.
ફરિયાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સોંપવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલો ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
અર્જુન રામ મેઘવાલે સસ્પેન્શનનો પ્રસ્તાવ મૂક્યો
સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો કે મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂક અને દુર્વ્યવહાર કરવાના આરોપસર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીને ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવે.
ગૃહે આ પ્રસ્તાવને ધ્વનિમતથી સ્વીકારી લીધો હતો. ત્યારબાદ પીઠાસીન સભાપતિ કૃષ્ણ પ્રસાદ તેન્નેટીએ કલ્યાણ બેનર્જીને સત્રના બાકીના સમયગાળા માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
બેનર્જીને તાત્કાલિક ગૃહની બહાર જવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ ગૃહમાં ફરી રાજકીય ઘમાસાણ જોવા મળ્યું હતું.
મિતાલી બાગ, શતાબ્દી રોય અને કાકોલી ઘોષ સાથે તકરાર
અહેવાલો અનુસાર, કલ્યાણ બેનર્જીની NCPIના સાંસદો મિતાલી બાગ, શતાબ્દી રોય અને કાકોલી ઘોષ દસ્તીદાર સાથે તીખી તકરાર થઈ હતી. આ ત્રણેય સાંસદ અગાઉ તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ બાદમાં પક્ષ છોડીને NCPIમાં સામેલ થયા હતા.
ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ કલ્યાણ બેનર્જી આ સાંસદો સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. વાતચીત દરમિયાન વિવાદ વધતાં બંને પક્ષ વચ્ચે સામસામે બોલાચાલી શરૂ થઈ હતી. વિવાદનું ચોક્કસ કારણ તાત્કાલિક સ્પષ્ટ થઈ શક્યું નહોતું.
કેટલાક વિપક્ષી સાંસદોએ વચ્ચે પડીને પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ કલ્યાણ બેનર્જી લોકસભા ચેમ્બર છોડીને બહાર નીકળી ગયા હતા.
NCPI સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને કરી ફરિયાદ
વિવાદ બાદ મિતાલી બાગ, કાકોલી ઘોષ દસ્તીદાર અને NCPIના અન્ય સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમના ચેમ્બરમાં મળીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, સ્પીકરે NCPIના સાંસદોને ઘટના અંગે લેખિત ફરિયાદ આપવાનું કહ્યું હતું. ત્યારબાદ મહિલા સાંસદોની ફરિયાદના આધારે ગૃહમાં કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી. આ ઘટનાએ મહિલા સાંસદો સાથેના વર્તન, સંસદીય શિસ્ત અને ગૃહની ગરિમા અંગે નવી ચર્ચા શરૂ કરી છે.
TMCમાં ફૂટ વચ્ચે વધ્યો રાજકીય સંઘર્ષ
કલ્યાણ બેનર્જી અને NCPIના સાંસદો વચ્ચેનો આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસમાં મોટી રાજકીય ફૂટ જોવા મળી રહી છે.
દાવા પ્રમાણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMCની હાર બાદ પક્ષના આશરે 20 સાંસદોએ નેતૃત્વ સામે બળવો કર્યો હતો. ત્યારબાદ તેઓ નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયામાં જોડાયા હતા.
આ બળવાખોર સાંસદોએ લોકસભામાં TMCના સભ્યોથી અલગ બેસવાનું શરૂ કર્યું હતું. તેમણે જાહેરમાં સત્તાધારી NDA સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની જાહેરાત પણ કરી હતી.
મમતા બેનર્જીના વફાદાર નેતા તરીકે કલ્યાણ બેનર્જીની ઓળખ
કલ્યાણ બેનર્જી લાંબા સમયથી તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી અને પક્ષના કેન્દ્રીય નેતૃત્વ પ્રત્યે વફાદાર નેતા તરીકે ઓળખાતા રહ્યા છે.
TMC છોડીને NCPIમાં જોડાયેલા પૂર્વ સહયોગીઓ સાથે તેમનો રાજકીય મતભેદ પહેલેથી જ ચાલી રહ્યો હોવાનું માનવામાં આવે છે. લોકસભામાં સર્જાયેલ તાજેતરનો વિવાદ આ આંતરિક રાજકીય સંઘર્ષનું જ પરિણામ હોવાની ચર્ચા થઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel