પાટણમાં એક જ પરિવાર પર ટૂંકા સમયગાળામાં બે આઘાતજનક મોતની ઘટના બનતા શોકનું મોજું ફરી વળ્યું છે. પિતાના અવસાન બાદ તેમના અગ્નિસંસ્કારની વિધિ પૂર્ણ કરીને ઘરે પરત ફરેલા 48 વર્ષીય પુત્રનું હાર્ટ એટેકથી અચાનક અવસાન થયું હતું. આ ઘટનાથી પરિવારજનો, સગાસંબંધીઓ તેમજ પાટણના ઝવેરી બજારના વેપારીઓમાં શોકની લાગણી પ્રસરી છે.
પાટણના ઝવેરી બજારમાં સોનાચાંદીનું કામ કરતા સેવંતીલાલ પંચાલનું નિધન થયું હતું. તેમના અગ્નિસંસ્કાર 9 ઓગસ્ટ, રવિવારે સિદ્ધપુર ખાતે કરવામાં આવ્યા હતા. અગ્નિસંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ પરિવારજનો પાટણ સ્થિત ઘરે પરત ફર્યા હતા અને ત્યારબાદની સામાજિક વિધિઓની તૈયારીઓમાં વ્યસ્ત હતા.
રાત્રિના સમયે પરિવારના સભ્યો સાથે વાતચીત કર્યા બાદ સૌ સુવા માટે ગયા હતા. દરમિયાન સેવંતીલાલ પંચાલના મોટા પુત્ર વિજયભાઈ પંચાલ (ઉંમર 48 વર્ષ)ને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તેમના અચાનક અવસાનથી પરિવાર પર દુઃખનો વધુ એક મોટો આઘાત આવ્યો હતો.
પિતા બાદ ટૂંકા સમયગાળામાં જ પુત્રનું પણ અવસાન થતાં પરિવારજનો અને સગાસંબંધીઓમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. વિજયભાઈ પંચાલના અકાળ અવસાનના સમાચાર મળતાં પાટણના ઝવેરી બજારમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ હતી.
વિજયભાઈના નિધનને પગલે ઝવેરી બજારના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી અને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel