ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ, જે અમુક પડતર માંગણીઓને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી, તે હવે પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારના હસ્તક્ષેપ અને ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા વિભાગ સાથે થયેલી સકારાત્મક વાટાઘાટો બાદ એસોસિએશને મંગળવારે (4 નવેમ્બર) હડતાળ સમેટવાનો નિર્ણય લીધો છે. આ બેઠક દરમિયાન સરકાર અને દુકાનદારોના પ્રતિનિધિઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેમાં મહત્વપૂર્ણ સમાધાન આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં દુકાનદારોના કમિશનમાં વધારો સૌથી મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી દુકાનદારોને એક કિલોગ્રામ દીઠ ₹1.50 મળતું હતું, જે હવે વધારીને ₹3 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવશે. આ પગલાથી રાજ્યભરના લગભગ 17,000 રેશન દુકાનદારોને સીધી રાહત મળશે. સરકારએ આશ્વાસન આપ્યું છે કે આગામી પંદર દિવસની અંદર આ વધારાનો પ્રસ્તાવ ઔપચારિક રીતે રજૂ કરવામાં આવશે.
તે ઉપરાંત, મિનિમમ ગેરેન્ટેડ કમિશનમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી દુકાનદારોને ₹20,000 મળતા હતા, જે હવે વધારીને ₹30,000 કરવાની દિશામાં સરકાર હકારાત્મક છે. આ સંબંધિત પ્રસ્તાવ નાણા મંત્રાલયને મંજૂરી માટે મોકલવામાં આવશે. એસોસિએશનની કુલ 20 માંગણીઓમાંથી લગભગ 17 માગણીઓ સ્વીકારવામાં આવી છે, જ્યારે બાકીની બાબતો પર ચર્ચા ચાલુ રહેશે.
એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ મીડિયાને જણાવ્યું કે બેઠક ખૂબ જ સાનુકૂળ વાતાવરણમાં યોજાઈ હતી અને પાંચ મુખ્ય માગણીઓમાંથી બે મુદ્દાઓ પર સરકાર તરફથી સ્પષ્ટ અને હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. તેમણે કહ્યું કે સરકારના આશ્વાસન બાદ હવે રાજ્યભરની તમામ સસ્તા અનાજની દુકાનો ફરીથી શરૂ કરવામાં આવશે. આ નિર્ણયથી સામાન્ય જનતાને રાહત મળશે અને ખાદ્ય વિતરણની વ્યવસ્થા ફરી સામાન્ય ગતિએ ચાલશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel