અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ દાવો કર્યો છે કે આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય તણાવ દરમિયાન ચીને મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. જોકે ભારત સરકારે આ દાવાને ફરી એકવાર સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે યુદ્ધવિરામ સંપૂર્ણપણે પાકિસ્તાનની વિનંતી અને બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચેની સીધી વાતચીતના પરિણામે થયો હતો, તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા રહી નથી.
વાંગ યીએ બેઇજિંગમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે 2025 દરમિયાન વિશ્વમાં સ્થાનિક યુદ્ધો અને સરહદી સંઘર્ષોમાં વધારો થયો છે અને ચીને વિવિધ હોટસ્પોટ મુદ્દાઓ પર “નિષ્પક્ષ અને ન્યાયી” વલણ અપનાવીને મધ્યસ્થી કરી છે. તેમણે ઉત્તર મ્યાનમાર, ઈરાનના પરમાણુ મુદ્દા, પેલેસ્ટાઈન-ઈઝરાયલ સંઘર્ષ, કંબોડિયા-થાઈલેન્ડ તણાવ સાથે સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો હતો. વાંગ યીના આ નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે તરત પ્રતિક્રિયા આપી અને સ્પષ્ટ કર્યું કે આવા દાવાઓમાં કોઈ સત્ય નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય છે અને તેમાં ત્રીજા પક્ષ માટે કોઈ સ્થાન નથી. તેમણે યાદ અપાવ્યું કે યુદ્ધવિરામ બંને દેશોના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચે થયેલી સીધી વાતચીતથી શક્ય બન્યો હતો. મે મહિનામાં યોજાયેલા એક પ્રેસ બ્રીફિંગમાં પણ ભારત સરકારે સ્પષ્ટ કર્યું હતું કે 10 મે, 2025ના રોજ બપોરે 3:35 વાગ્યે બંને દેશોના DGMO વચ્ચે ફોન પર ચર્ચા થઈ હતી, જેમાં યુદ્ધવિરામની તારીખ, સમય અને શબ્દાવલી પર સહમતિ બની હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ વારંવાર દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થીના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટક્યું હતું, જેને ભારત સરકારે સ્પષ્ટપણે નકારી દીધું હતું. ભારતનું સતત અને સ્થિર વલણ રહ્યું છે કે પાડોશી દેશ સાથેના તમામ વિવાદો દ્વિપક્ષીય ચર્ચા દ્વારા જ ઉકેલવાના છે અને કોઈ પણ ત્રીજા દેશની દખલગીરી સ્વીકાર્ય નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel