અંબાજીમાં ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો શરૂઆતથી જ ભક્તિભાવ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો છે. બીજા જ દિવસે અંબાજી ધામે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ ‘મા’ જગદંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. જ્યારે માત્ર બે દિવસમાં જ કુલ 7.29 લાખ શ્રદ્ધાળુઓએ ધામે પહોંચીને માતાના ચરણોમાં શિશ ઝુકાવ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહીત અનેક જિલ્લાઓમાંથી નીકળેલા સંઘો અને પદયાત્રીઓના પ્રવાહને કારણે માર્ગો પર વિશાળ માનવ સાંકળ સર્જાઈ છે. રસ્તાઓ ટ્રાફિકથી ભરાઈ જવા છતાં લોકોના ચહેરા પર ઉત્સાહ અને ભક્તિભાવ છલકાતો દેખાયો છે. રાત્રિના સમયે પણ “જય જય અંબે”ના જયઘોષથી સુમસામ રસ્તાઓ જીવંત બની રહ્યા છે.
અંબાજી ધામે ઉમટેલા આ ભક્તિમય દરિયામાં શક્તિ, ભક્તિ અને પ્રકૃતિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આરાસુરની ગિરીકંદરાઓ વચ્ચે ગૂંજી રહેલા જયઘોષ, પગપાળા સંઘોના ઘંટ-ઘડિયાળના નાદ અને શ્રદ્ધાળુઓની અખૂટ ભક્તિએ સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવી દીધું છે.
મહામેળાની વ્યવસ્થા પણ વિશેષ નોંધપાત્ર રહી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા તંત્ર તરફથી ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વિશાળ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને મંદિર, ગબ્બર તથા અંબાજીના મુખ્ય માર્ગો પર સ્વચ્છતા જાળવવા વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ભક્તોને ભોજન, રહેઠાણ અને આરામની સુવિધા ઉપલબ્ધ કરાવવા તંત્ર સક્રિય રહ્યું છે.
આ મહામેળાની વિશિષ્ટતાઓમાં આંકડા પણ રસપ્રદ છે:
- 49,568 ભક્તોએ ભોજનનો લાભ લીધો
- ધજારોહણમાં 270 લોકો જોડાયા
- મોહનથાળના 2,77,750 પેકેટ વહેંચાયા
- ચીકીના 3,712 પેકેટ વિતરણ થયા
- ઉડનખટોલાનો લાભ 8,410 યાત્રિકોએ લીધો
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel