નર્મદા જિલ્લા વહિવટી તંત્રની કામગીરીને બિરદાવતા જિલ્લાના પ્રભારી સચિવશ્રી સંદીપ સાંગલે
એકતાનગર સરકિટ હાઉસ ખાતે ગાંધીનગર ઉધોગ કમિશ્નરશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ સંદીપ સાંગલેના અધ્યક્ષપદે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અંતર્ગત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રભારી સચિવ સાંગલેએ એસ્પિરેશનલ નર્મદા જિલ્લા અને બ્લોકમાં આરોગ્ય, શિક્ષણ, પોષણ, કૃષિ-પશુપાલન, પ્રાથમિક-માળખાકીય સુવિધાઓ અને જિલ્લાએ હાંસલ કરેલી ઉપલબ્ધિઓની ઝીણવટપૂર્ણ માહિતી પ્રેઝન્ટેશનના માધ્યમથી મેળવી હતી.
જિલ્લાના પ્રભારી સચિવ શ્રી સંદિપ સાંગલેએ વધુમાં જિલ્લામાં થયેલા વિકાસ કાર્યો અને સી.એસ.આર પ્રવૃત્તિ અંગેની આંકડાકીય અને વિસ્તૃત માહિતી પ્રેઝન્ટેશનના માધ્યમથી મેળવી હતી. કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને તેમના માર્ગદર્શન હેઠળ એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં વિકાસના વિવિધ કામો કરવામાં આવ્યા છે. જેની પણ વિસ્તૃત માહિતી મેળવીને શ્રી સાંગળે એ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાયેલા કામો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ સંપૂર્ણ પ્રેઝન્ટેશન જિલ્લા આયોજન અધિકારી શ્રી પાંડેએ રજૂ કર્યું હતું. પ્રભારી સચિવ સાંગલે એ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત જિલ્લા વહિવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, નાયબ વન સંરક્ષણ નીરજકુમાર, પ્રાયોજના વહીવટદાર શ્રી હનુલ ચૌધરી, સુપર ન્યુમિરી કલેકટર સુશ્રી પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, નાંદોદ પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી વાણી દૂધાત સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.