હાલમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં ‘બળજબરીથી કરવામાં આવતા ધર્માંતરણ’ને અટકાવવા માટે ‘ધર્માંતરણ વિરોધી કાયદો’ લાવવાની જરૂરત હોવાની જાહેરમાં વાત કરી છે. વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ આપતાં સાવંતે જણાવ્યું કે જેમ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં આ પ્રકારના કાયદા અમલમાં છે, તેમ ગોવા માટે પણ આવો કાયદો આવશ્યક છે. તેઓએ કહ્યું કે ઘણા રાજ્યો એવા કાયદા પસાર કરી ચૂક્યા છે જે બળજબરીથી, છેતરપિંડીથી કે લાલચ આપીને થતું ધાર્મિક રૂપાંતરણ રોકે છે અને આવી પ્રવૃત્તિઓને કાયદેસર રીતે ડામે છે. મુખ્યમંત્રી સાવંતે કોંગ્રેસ ધારાસભ્યોને પણ આવો કાયદો લાવવા સરકારને ટેકો આપવા વિનંતી કરી.
We Goans must stand united to protect Goa’s identity!
From political leaders across party lines to Panchayat members and citizens, we must all come together to ensure the implementation of the anti-conversion law in Goa.
— CM @DrPramodPSawant pic.twitter.com/esADKUWTy6
— BJP Goa (@BJP4Goa) July 21, 2025
આ મુદ્દા પર ચર્ચા દરમિયાન કેટલાક ધારાસભ્યોએ ગોવામાં ધર્માંતરણના કેસો અંગેનું સત્તાવાર ડેટા રજૂ કરવાની માંગ કરી. દેશના અન્ય 12 રાજ્યોમાં – જેમ કે અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ – ‘ધર્મ સ્વતંત્રતા અધિનિયમ’ અમલમાં છે કે જે બળજબરી, ધોકાધડી, પ્રલોભન કે અન્ય અયોગ્ય માધ્યમોથી થતી ધાર્મિક ફેરફારની ઘટનાઓને ગુનો માને છે. આ કાયદાઓ અંતર્ગત દોષિત વ્યક્તિઓ સામે દંડ સાથે જેલની પણ જોગવાઈ છે.
મોટા પાયે ધર્માંતરણ વિરૂદ્ધ રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવામાં આવે તે દિશામાં મુખ્યમંત્રીનો આ પ્રસ્તાવ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, અને જો વિધાનસભામાં બહુમતિનો ટેકો મળે તો ગોવા પણ આ કાયદો અમલમાં લાવનારા રાજ્યોમાં સામેલ થઈ શકે છે.