પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક અને ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોએ એકસાથે બળવો જાહેર કરીને પક્ષના નેતૃત્વ વિરુદ્ધ ખુલ્લો મોરચો ખોલી દીધો છે. આ બળવાખોર સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને અલગ જૂથ તરીકે માન્યતા આપવા અને NDAને સમર્થન આપવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાને પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસનો સૌથી મોટો વિદ્રોહ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે TMCના લોકસભા સાંસદોની બહુમતી પાર્ટીના સત્તાવાર નેતૃત્વ સામે ઉભી રહી છે.
કાકોલી ઘોષના નેતૃત્વમાં 20 સાંસદોનું બળવાખોર જૂથ
આ સમગ્ર બળવાખોર જૂથનું નેતૃત્વ TMCની વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર કરી રહ્યા છે. બળવાખોર સાંસદોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ હવે મમતા બેનર્જી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીના નેતૃત્વ હેઠળ આગળ વધવા માંગતા નથી.
રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી પાર્ટીની અંદર ચાલતા આંતરિક મતભેદો હવે ખુલ્લા વિસ્ફોટમાં ફેરવાઈ ગયા છે.
દિલ્હીમાં ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને થઈ ગુપ્ત બેઠક
મળતી માહિતી મુજબ આ સમગ્ર રાજકીય ઘટનાક્રમની પૃષ્ઠભૂમિ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને તૈયાર થઈ હતી. અહીં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી પણ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન NDAને સમર્થન, સંસદમાં અલગ બ્લોક તરીકે બેસવાની વ્યૂહરચના અને પશ્ચિમ બંગાળના રાજકીય ભવિષ્ય અંગે ચર્ચા થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
INDIA ગઠબંધનની બેઠક દરમિયાન થયો રાજકીય ધડાકો
ખાસ વાત એ છે કે આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી દિલ્હીમાં INDIA ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
વિપક્ષી એકતાનો સંદેશ આપવા માટે યોજાયેલી બેઠક દરમિયાન જ TMCની અંદરથી આટલા મોટા પાયે બળવો સામે આવતા INDIA ગઠબંધનની એકતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
‘બંગાળના વિકાસ માટે NDAને સમર્થન જરૂરી’ – ડૉ. શર્મિલા સરકાર
બર્ધમાન પૂર્વ લોકસભા બેઠકની સાંસદ ડૉ. શર્મિલા સરકારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે તેઓ બંગાળના વિકાસ માટે કાર્ય કરવા માંગતા હતા પરંતુ પાર્ટીની અંદર યોગ્ય રીતે કામ કરી શકતા નહોતા.
તેમણે જણાવ્યું કે કાકોલી ઘોષના નેતૃત્વમાં અલગ જૂથ બનાવવામાં આવ્યું છે અને NDA સાથે જોડાવાનો નિર્ણય રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે 20 સાંસદો એકજૂથ થઈને આ નિર્ણય પાછળ ઉભા છે.
મમતાની કાર્યવાહી મુશ્કેલ, એન્ટી-ડિફેક્શન કાયદાથી મળશે સુરક્ષા
રાજકીય રીતે આ બળવો ખૂબ મહત્વનો માનવામાં આવે છે. TMCના કુલ 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદો બળવાખોર જૂથમાં સામેલ હોવાથી તેઓ બે-તૃત્યાંશ બહુમતીનો આંકડો પાર કરે છે.
ભારતીય બંધારણના પક્ષપલટા વિરોધી કાયદા અનુસાર જો કોઈ જૂથ પાસે બે-તૃત્યાંશ બહુમતી હોય તો તેઓ અલગ જૂથ તરીકે માન્યતા મેળવી શકે છે. તેથી મમતા બેનર્જી માટે આ સાંસદો સામે તાત્કાલિક કાર્યવાહી કરવી સરળ નહીં રહે.
લોકસભામાં NDAની શક્તિમાં વધારો
જો આ તમામ સાંસદો સત્તાવાર રીતે NDAનો ભાગ બને છે તો લોકસભામાં ભાજપ અને NDAની સ્થિતિ વધુ મજબૂત બનશે. બીજી તરફ, અત્યાર સુધી લોકસભાની ત્રીજી સૌથી મોટી વિપક્ષી પાર્ટી ગણાતી TMCનું સંસદીય પ્રભાવ નોંધપાત્ર રીતે ઘટી શકે છે.
રાજ્યસભામાં પણ TMCને મોટો ફટકો
લોકસભા બાદ રાજ્યસભામાં પણ TMCને ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યસભામાં TMCના 13 સાંસદો છે અને આવનારા દિવસોમાં અહીં પણ વધુ રાજકીય ઉથલપાથલ જોવા મળી શકે છે.
વિધાનસભામાં પણ 60 ધારાસભ્યોના બળવાના દાવા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં થયેલા પરાજય બાદ TMCમાં અસંતોષ સતત વધી રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. અહેવાલો મુજબ પાર્ટીના 80 ધારાસભ્યોમાંથી આશરે 60 ધારાસભ્યો પણ નેતૃત્વ સામે નારાજ છે.
મમતા બેનર્જીએ બળવાખોરોને મનાવવા માટે પોતાના નિવાસસ્થાને તાકીદની બેઠક બોલાવી હોવાના દાવા પણ થઈ રહ્યા છે, પરંતુ બળવાખોર ધારાસભ્યોમાંથી કોઈ બેઠકમાં હાજર રહ્યું નહોતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel