ગળતેશ્વર તાલુકાના કોસમ ગામની સીમમાં ગઈકાલે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતાં ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો.જો કે ત્યાં તેનું અવસાન થયું હતુ. આ અંગે સેવાલિયા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ગળતેશ્વર તાલુકાના સોનૈયા ગામે રહેતા સંજયભાઈ લક્ષ્મણભાઈ પરમારના પિતરાઈ ભાઈ અજયકુમાર માવજીભાઈ પરમાર ઉ.વ.૨૨) ગઈકાલે પોતાની બહેનને સાસરે ઢુણાદરા મુકવા માટે ગયા હતા. મોટરસાયકલ પર પરત આવતી વખતે કોસમ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણી ઈકો ગાડીએ તેમની મોટરસાયકલને સામેથી ટક્કર મારી હતી. આથી મોટરસાયકલ ચાલક અજયભાઈ રોડ ઉપર પટકાતા શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો હતો જ્યારે આસપાસના લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ અજયભાઈ પરમારને તુરંત સારવાર અર્થે ઠાસરા સરકારી દવાખાનામાં લઈ ગયા હતા. જયાંથી વધુ સારવાર અર્થે નડિયાદ ખાતે તેઓને રિફર કરવામાં આવ્યાં હતા. એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા. ત્યારે રસ્તામાં શ્વાસ રૂંધાઇ જતા અને ધબકારા બંધ થઈ જતા ડાકોર સીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયાં ફરજ પરના ડોક્ટરે અજયકુમારને મૃત જાહેર કર્યા હતા.. આ બનાવ સંદર્ભે તેમના પિતરાઈ ભાઈ સંજયભાઈ પરમારએ સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણી ઈકો કારના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)