રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. રાજસ્થાનમાં આ વખતે ખરાખરીનો જંગ જામ્યો છે. તેમાં પણ આ વખતની લડાઈ ‘નિયમો અને રિવાજો’ બદલવાને લઈને છે. એક તરફ ભાજપ છે જેને સત્તા પલટની આશા છે અને બીજી બાજુ કોંગ્રેસ છે, જે આ વખતે રાજ્યમાં રિવાજો બદલાવાના નવા કનસેપ્ટ સાથે મતદાતાઓને રીજવવાના પ્રયાસ કરી રહી છે. જોકે, અંતિમ નિર્ણય તો જનતાના હાથમાં છે.
રાજસ્થાનમાં છેલ્લા ઘણા દાયકાઓથી એક ટ્રેન્ડ છે કે દર પાંચ વર્ષે સત્તા બદલાય છે. ભાજપ હોય તો કોંગ્રેસ આવે અને કોંગ્રેસ હોય તો ભાજપ.ત્યારે આજે રાજ્યની 200માંથી 199 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં 5.25 કરોડથી વધુ મતદારો મતદાન કરવાના છે અને રાજસ્થાનનું ભાવી નક્કી થવાનું છે.
આ વખતે ભાજપ પણ લડી લેવાના મૂડમાં છે. ત્યારે ગહેલોત સરકારને સત્તા પરથી ઉતારવા સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. આખરે, ચાલો જાણીએ કે આ સાત સાંસદો કોણ છે અને ક્યાંથી ચૂંટણી લડી રહ્યા છે.
1- રાજ્યવર્ધન રાઠોડ, જોતવાડાના સાંસદ
આ ચૂંટણીમાં ભાજપે રાજસ્થાનની જોતવાડા બેઠક પરથી સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડને મેદાને ઉતાર્યા છે. ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર રાઠોડ 2014માં પહેલીવાર સાંસદ બન્યા હતા. હાલમાં તેઓ જયપુર ગ્રામીણ લોકસભા બેઠક પરના સાંસદ છે. રાજસ્થાનમાં ગેહલોતને સત્તા પરથી હટાવવા માટે ભાજપે રાજ્યવર્ધન સિંહ રાઠોડને ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે રાઠોડનો મુકાબલો કોંગ્રેસના અભિષેક ચૌધરી સાથે છે. અભિષેક ચૌધરી જે રાજસ્થાન યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા પણ રહી ચૂક્યા છે.
2- વિદ્યાધર નાગર બેઠક પર દિયા કુમારી
ભાજપે રાજસ્થાનની રાજસમંદ લોકસભા બેઠક પરથી સાંસદ દિયા કુમારીને પણ મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ દિયા કુમારીને જયપુરની વિદ્યાધર નગર વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. દિયા કુમારીને લઈને રાજસ્થાનના રાજકારણમાં ચર્ચા છે કે જો ભાજપ જીતે તો તેમને રાજસ્થાનના મુખ્યમંત્રી પણ બનાવી શકે છે. દિયા કુમારી વર્ષ 2013માં ભાજપમાં જોડાયા હતા. 2013 થી 2018 સુધી તે સવાઈ માધોપુરથી ધારાસભ્ય પણ રહી હતી.
3- તિજારા પર બાલક નાથ ‘યોગી’
બાલકનાથને રાજસ્થાનના ‘યોગી’ પણ કહેવામાં આવે છે. બાલકનાથ પણ અલવર સીટથી સાંસદ છે. અહીની બેઠક માટે ભાજપે બાલકનાથના નામની જાહેરાત કરી છે ત્યારથી તેમના દ્વારા અનેક વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે બાલકનાથ સામે ચૂંટણી લડવા માટે ઈમરાન ખાનને ટિકિટ આપી છે. ઈમરાન ખાનને મેદાનમાં ઉતાર્યા બાદ બાલકનાથે કહ્યું હતું કે આ વખતનો જંગ કોઈ સામાન્ય જંગ નથી પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ બરાબર છે.
4- મંડાવાથી નરેન્દ્ર કુમાર
ભાજપે મંડાવા બેઠક પરથી સાંસદ નરેન્દ્ર કુમારને મંડાવા વિધાનસભા બેઠક પરથી ઉતાર્યા છે. હાલ આ બેઠક કોંગ્રેસ પાસે છે અને રીટા ચૌધરી ત્યાના ધારાસભ્ય છે. આ વખતે પણ કોંગ્રેસે રીટા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. મંડાવામાં નરેન્દ્ર કુમારને મેદાનમાં ઉતારવા પાછળનું એક કારણ એ છે કે આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર કુમારે અપક્ષ તરીકે ચૂંટણી લડીને રીટા ચૌધરીને હરાવ્યા હતા.
5- કિશનગઢથી ભગીરથ ચૌધરી
ભાજપ સાંસદ ભગીરથ ચૌધરીને પણ વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા છે. ભાજપે કિશનગઢથી ભગીરતને મેદાનમાં ઉતાર્યા છે. ભગીરથ ચૌધરી હાલમાં અજમેર લોકસભા સીટથી સાંસદ છે. આ વખતે ભાજપે ભગીરથ ચૌધરીના નામની જાહેરાત કરતાની સાથે જ વિકાસ ચૌધરીએ પક્ષમાં બળવો કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. વિકાસ ચૌધરીએ 2018માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. હવે કોંગ્રેસે ભગીરથ સામે વિકાસ ચૌધરીને ટિકિટ આપી છે. આવી સ્થિતિમાં તેમના ભાગ્યનો નિર્ણય પણ આજે થશે.
6- દેવજી એમ પટેલ સાંચોરથી
રાજસ્થાન ભાજપે સાંચોર વિધાનસભા બેઠક પરથી સાંસદ દેવજી પટેલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક પર ભાજપે દેવજી એમ પટેલને મેદાનમાં ઉતાર્યા છે કારણ કે કોંગ્રેસે છેલ્લા ત્રણ વખતથી આ બેઠક પોતાના હાથમાં લીધી છે. દેવજી એમ પટેલની ગણતરી રાજસ્થાનમાં ભાજપના શક્તિશાળી નેતાઓમાં થાય છે. 2009, 2013 અને 2019માં લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને ત્રણેય વખત જીત હાસલ કરી છે.
7- સવાઈ માધોપુર થી કિરોરી લાલ મીના
આ વખતે ભાજપે સવાઈ માધોપુર બેઠક પર રાજ્યસભાના સાંસદ કિરોડી લાલ મીણાને પણ મેદાનમાં ઉતાર્યા છે. સવાઈ માધોપુર બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે આ સીટ જીતી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસનો ગઢ તોડવા માટે ભાજપે કિરોડી લાલ મીણાને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસે પોતાના વર્તમાન ધારાસભ્ય દાનિશ અબરારને ટિકિટ આપી છે. રાજસ્થાનના રાજકારણમાં સારી પકડ ધરાવતા કિરોરી લાલ મીણા મીના આદિવાસી જૂથનું નેતૃત્વ કરે છે.