દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટને લઈને હવે તપાસ એજન્સીઓએ ટેરર એન્ગલ પરથી તપાસ શરૂ કરી છે, કારણ કે આ ઘટનાનું કનેક્શન સીધું જ પુલવામા અને હરિયાણાના ફરીદાબાદના ટેરર મોડ્યુલ સાથે જોડાતું જણાઈ રહ્યું છે. બ્લાસ્ટ થયેલી હ્યુન્ડાઈ i20 કારની માલિકી જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રહેવાસી ડૉક્ટર ઉમર મોહમ્મદની હોવાનું બહાર આવ્યું છે. ટોચના ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા મુજબ, ઉમર એ જ ટેરર મોડ્યુલનો ભાગ હતો, જેની હરિયાણાના ફરીદાબાદમાં વિસ્ફોટક પદાર્થોની મોટી જથ્થામાં જપ્તીની ઘટના બાદ બહાર આવ્યું હતું.
માહિતી અનુસાર, આ મોડ્યુલના બે સભ્યો — ડૉ. મુજમ્મિલ શકીલ અને ડૉ. આદિલ —ની ધરપકડ થયા બાદ ઉમર ગભરાઈ ગયો હતો. પોલીસના દબાણથી બચવા માટે તેણે હડબડાહટમાં લાલ કિલ્લા પાસે કાર લઈ જઈ વિસ્ફોટ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓના મતે, બ્લાસ્ટ વખતે ઉમર પોતે કારમાં હાજર હતો અને તે વિસ્ફોટમાં જ મોતને ભેટ્યો હોઈ શકે છે. આની પુષ્ટિ માટે વિસ્ફોટ બાદ કારમાંથી મળેલા અસ્પષ્ટ મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે જેથી તેની ઓળખ સ્પષ્ટ થઈ શકે.
કારના માલિકીના ઇતિહાસને જોવામાં આવે તો, શરૂઆતમાં આ i20 કાર સલમાન નામના વ્યક્તિએ ખરીદી હતી. ત્યારબાદ તેણે તે કાર આમિરને વેચી દીધી, આમિર પાસેથી તારિક પાસે ગઈ અને અંતે ઉમર મોહમ્મદના હાથમાં આવી પહોંચી હતી. પોલીસનું માનવું છે કે આ કારનો ઉપયોગ લાંબા સમયથી ટેરર સંબંધિત પ્રવૃત્તિઓ માટે થતો હતો.
દિલ્હી પોલીસે આ કેસમાં યુનલો ફોર પ્રીવેન્શન ઓફ અનલૉફુલ એક્ટિવિટીઝ (UAPA) હેઠળ કલમ 16 (આતંકી પ્રવૃત્તિઓ) અને 18 (સાજિશ) લગાવી છે. સાથે જ એક્સપ્લોઝિવ સબસ્ટેન્સ એક્ટ, હત્યાના પ્રયાસ અને હત્યાની કલમો હેઠળ પણ ગુનો દાખલ કર્યો છે. હાલ આ કેસની તપાસ દિલ્હી પોલીસ, એનઆઈએ અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) મળીને કરી રહી છે.
ફોરેન્સિક રિપોર્ટ અનુસાર, કાર બ્લાસ્ટ માટે મોટા પ્રમાણમાં એમોનિયમ નાઈટ્રેટ, ફ્યુલ ઓઇલ, અને અન્ય ઉદ્યોગિક વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ જ પ્રકારના વિસ્ફોટક પદાર્થો થોડા કલાકો પહેલાં હરિયાણાના ફરીદાબાદમાં જપ્ત કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર અને હરિયાણા પોલીસે સંયુક્ત ઑપરેશન ચલાવી ડૉ. મુજમ્મિલ શકીલના બે ઘરોમાંથી હજારો કિલો વિસ્ફોટક સામગ્રી, હથિયારો અને સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
આ તમામ પરિસ્થિતિને જોતા એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલો આ વિસ્ફોટ કોઈ સામાન્ય અકસ્માત નહીં પરંતુ એક સુનિયોજિત આતંકી કાવતરાનો ભાગ હોઈ શકે છે. તપાસ એજન્સીઓ હવે આ નેટવર્કના બાકી રહેલા સભ્યો સુધી પહોંચવા માટે ત્વરિત ગતિએ કામગીરી કરી રહી છે, કારણ કે આશંકા છે કે આ મોડ્યુલના અન્ય સભ્યો હજુ સક્રિય હોઈ શકે છે અને તેઓ અન્ય શહેરોમાં પણ હુમલાની યોજના બનાવી રહ્યા હોઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel