જુની પેઢી મહાભારત અને રામાયણથી સંપૂર્ણ વાકેફ છે, ત્યારે નવી પેઢીને પણ આ ભારતીય સંસ્કૃતિની કથાનું જ્ઞાન આપવાની તૈયારી થઈ હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં સ્કુલોમાં પણ મહાભારત અને રામાયણના પાઠ જોવા મળી શકે છે. આ મામલે NCERT એટલે કે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની પેનલે આ બંને કથાઓને શાળાના પુસ્તકોમાં સામેલ કરવા ભલામણ કરી છે.
NCERT ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી
શાળાના વિદ્યાર્થીઓને મહાભારત-રામાયણ ભણાવવા NCERTએ સોશિયલ સાયન્સના શાળા અભ્યાસક્રમમાં સુધારો કરવા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત પેનલે સ્કુલની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની પણ ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સી.આઈ.ઈસ્સાકે આજે આ માહિતી આપી છે.
ધો.7થી 12માં રામાયણ અને મહાભારત ભણાવવા જરૂરી
ઈસ્સાકે ભારપુર્વક જણાવ્યું કે, ધોરણ-7થી 12ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત ભણાવવા જરૂરી છે. તેમણે કહ્યું કે, સમિતિએ સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો ભણાવવા પર ભાર મુક્યો છે. અમારુ માનવું છે કે, કિશોરાવસ્થા દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના રાષ્ટ્ર પ્રત્યે આત્મ-સન્માન, દેશભક્તિ અને ગૌરવનો અહેસાસ થાય છે. તેમણે કહ્યું કે, હાલમાં કેટલાક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને રામાયણ ભણાવે છે, જોકે તેઓ દંડકથા રૂપે ભણાવે છે. જો વિદ્યાર્થીઓને આ મહાકાવ્યો ભણાવાશે નહીં તો શિક્ષણ પ્રણાલીનો કોઈ હેતુ કામ કરશે નહીં અને તેઓ રાષ્ટ્રની સેવા પણ શીખી શકશે નહીં.