વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૉર્ડન મુલાકાત દરમિયાન તેમને વિશેષ રાજદ્વારી સન્માન આપવામાં આવ્યું, જે ભારત–જૉર્ડન વચ્ચેના મજબૂત અને વિશ્વાસભર્યા સંબંધોને દર્શાવે છે. મંગળવારે (16 ડિસેમ્બર) જૉર્ડનના ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા પોતે કાર ચલાવીને વડાપ્રધાન મોદીને જૉર્ડન મ્યુઝિયમ લઈ ગયા હતા. આ દ્રશ્યને બંને દેશો વચ્ચેની મિત્રતા અને આત્મીયતાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. જૉર્ડન મ્યુઝિયમની મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ ભારત–જૉર્ડન બિઝનેસ ફોરમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે કહ્યું હતું કે સુધારેલા શાસન, નીતિગત સુધારાઓ અને નવીનતા આધારિત અભિગમના પરિણામે ભારતનો વિકાસ દર 8 ટકા કરતાં વધુ રહ્યો છે અને ભારત આજે વૈશ્વિક વિકાસનું એક મહત્વપૂર્ણ એન્જિન બની રહ્યું છે.
આ મુલાકાત દરમિયાન ભારત અને જૉર્ડન વચ્ચે કુલ પાંચ મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમાં નવા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ટેકનિકલ સહયોગ, જળ સંસાધન વ્યવસ્થાપન અને વિકાસ ક્ષેત્રમાં સહકાર, ભારતની એલોરા ગુફાઓ અને જૉર્ડનની પેટ્રા વચ્ચે ટ્વીનિંગ કરાર, વર્ષ 2025થી 2029 માટે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમનું રિન્યુઅલ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે સફળ ડિજિટલ સોલ્યુશન્સની વહેંચણી અંગે લેટર ઓફ ઈન્ટેન્ટનો સમાવેશ થાય છે. આ કરારો બંને દેશો વચ્ચે આર્થિક, સાંસ્કૃતિક અને ટેકનોલોજીકલ સહકારને નવી ઊંચાઈ આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
List of Outcomes finalised : Visit of PM @narendramodi to the Hashemite Kingdom of Jordan pic.twitter.com/YXnFODrE8k
— Randhir Jaiswal (@MEAIndia) December 15, 2025
બિઝનેસ ફોરમને સંબોધતા વડાપ્રધાન મોદીએ જૉર્ડનના રોકાણકારોને ભારત તરફ આકર્ષિત કરતાં કહ્યું હતું કે, “આજે વિશ્વને એક નવા વિકાસ એન્જિન અને વિશ્વસનીય સપ્લાય ચેઇનની જરૂર છે. ભારત અને જૉર્ડન સાથે મળીને આ જરૂરિયાતને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારત અને જૉર્ડન બંને પોતાની સંસ્કૃતિ અને વારસા પર ગર્વ અનુભવે છે અને બંને દેશોમાં સાંસ્કૃતિક તથા વારસાગત પર્યટનની વિશાળ સંભાવનાઓ છે. ફિલ્મ મહોત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકો-થી-લોકો વચ્ચેના સંપર્કોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આગામી શિખર સંમેલનમાં જૉર્ડન તરફથી એક મોટું પ્રતિનિધિમંડળ ભારત આવશે.
જૉર્ડનના ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લાએ પણ વડાપ્રધાન મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે અસાધારણ પ્રગતિ કરી છે. અમે ભારત સાથે મળીને અમારી આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે આતુર છીએ.” તેમના જણાવ્યા અનુસાર, આ બિઝનેસ ફોરમ ભારત અને અમ્માન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપશે.
Here are highlights from a special welcome in Amman. India and Jordan will keep working closely to further global good. pic.twitter.com/ztQuYx982x
— Narendra Modi (@narendramodi) December 15, 2025
જૉર્ડનના શાસકવર્ગની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પણ ખૂબ વિશેષ છે. જૉર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીયને પયગંબર મુહમ્મદના સૌથી નજીકના વંશજોમાં ગણવામાં આવે છે. તેઓ હાશિમી રાજવંશ સાથે સીધા સંબંધિત છે, જેની ઉત્પત્તિ કુરૈશ વંશની બાનુ હાશિમ શાખામાંથી થઈ હતી. પયગંબર મુહમ્મદ સાહેબની પુત્રી હઝરત ફાતિમા, તેમના જમાઈ હઝરત અલી અને તેમના પુત્રો હસન અને હુસૈનના વંશજો ઘણી પેઢીઓ સુધી મક્કાના શરીફ રહ્યા હતા. બાદમાં આ વંશમાંથી હાશિમી રાજવંશ ઉભર્યો, જેણે લગભગ 700 વર્ષ સુધી મક્કા પર શાસન કર્યું. જૉર્ડનના પહેલા રાજા શરીફ હુસૈન બિન અલી હતા અને વર્તમાન રાજા અબ્દુલ્લા દ્વિતીય તેમના પ્રપૌત્ર છે. જૉર્ડન એક બંધારણીય રાજાશાહી છે, જ્યાં બંધારણ મુજબ સત્તાનો ઉત્તરાધિકાર હાશિમી રાજવંશમાં પિતાથી પુત્રને મળે છે. આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ઊંડા બનાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel