ગુજરાતમાં ભાગીને થતાં લગ્ન અને પ્રેમલગ્નને લઈને રાજ્ય સરકાર હવે વધુ કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે. સરકાર મેરેજ રજીસ્ટ્રેશનના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આવનારા સમયમાં ભાગીને થયેલા લગ્નનું રજિસ્ટ્રેશન સરળ નહીં રહે. પ્રાપ્ત માહિતી અનુસાર, આવતીકાલે યોજાનારી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ મુદ્દે સુધારેલા નિયમો રજૂ કરવામાં આવી શકે છે અને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ નિર્ણય અમલમાં આવ્યો તો ગુજરાતમાં લગ્ન નોંધણીની પ્રક્રિયામાં મોટો ફેરફાર જોવા મળશે.
પ્રસ્તાવિત નિયમો મુજબ, હવે ભાગીને થયેલા લગ્નનું રજિસ્ટ્રેશન માતા-પિતાની મંજૂરી વિના શક્ય નહીં બને. પ્રેમલગ્ન કરનાર યુગલ જ્યારે લગ્ન નોંધાવવા જશે, ત્યારે પહેલા તેમના માતા-પિતાને ફરજિયાત નોટિસ આપવી પડશે. આ નોટિસ મળ્યા બાદ માતા-પિતાને 30 દિવસનો સમય આપવામાં આવશે, જેમાં તેઓ પોતાની સંમતિ, વાંધો અથવા અભિપ્રાય રજૂ કરી શકશે. જો આ સમયગાળા દરમિયાન કોઈ વાંધો આવે તો તેની તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આથી લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ લાંબી અને ચકાસણી આધારિત બનશે.
આ ઉપરાંત સરકાર દ્વારા એક વધુ મહત્વપૂર્ણ જોગવાઈ સૂચવવામાં આવી છે, જેમાં યુવતીના આધારકાર્ડમાં દર્શાવેલા સ્થાયી સરનામા મુજબની સબ-રજિસ્ટ્રાર કચેરીમાં જ લગ્નની નોંધણી કરવી ફરજિયાત રહેશે. અન્ય વિસ્તાર અથવા જિલ્લા બદલીને લગ્ન રજિસ્ટર કરાવવાની પ્રથા પર પણ અંકુશ આવશે. સરકારનું માનવું છે કે આ નિયમો અમલમાં આવતા ખોટી ઓળખ, દબાણ હેઠળના લગ્ન, તેમજ પરિવાર અને કાયદાકીય વિવાદો ઘટાડવામાં મદદ મળશે.
રાજ્ય સરકારનું કહેવું છે કે આ પગલાંનો મુખ્ય હેતુ પરિવારની સંમતિ સાથે લગ્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે અને ભાગીને થતાં લગ્નના નામે ઊભા થતા સામાજિક, કાનૂની અને સુરક્ષા સંબંધિત પ્રશ્નોને અટકાવવાનો છે. જોકે, બીજી તરફ આ નિર્ણયને લઈને પ્રેમલગ્ન કરનાર યુગલો અને માનવાધિકાર કાર્યકરોમાં ચર્ચા અને વિવાદની શક્યતા પણ દેખાઈ રહી છે. અગાઉ પણ ગુજરાતમાં પ્રેમલગ્ન અને ભાગીને લગ્ન અંગે રાજકીય અને સામાજિક ચર્ચાઓ થઈ ચૂકી છે, ત્યારે સરકારનો આ પ્રસ્તાવ ફરી એકવાર રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનવાની સંભાવના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel