દક્ષિણ અમેરિકાના દેશ પેરૂમાં રાજકીય અસંતોષ અને વધતા વિરોધ પ્રદર્શનો વચ્ચે સરકારે રાજધાની લીમામાં ઇમરજન્સી (આપાતકાળ) જાહેર કરવાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેરૂમાં સરકારવિરોધી આંદોલનો તેજ બન્યા છે, જેમાં નાગરિકો ભ્રષ્ટાચાર, વધતા અપરાધ અને નબળી શાસનવ્યવસ્થા સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ હિંસાત્મક બનતા પ્રદર્શનોએ આખા દેશમાં અશાંતિનું વાતાવરણ સર્જ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે થોડા દિવસ પહેલાં જ થયેલા એક પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે.
પેરૂના વડા પ્રધાન અર્નેસ્ટોએ શુક્રવારે આપેલા નિવેદનમાં જણાવ્યું કે, “સરકાર આવનારા કેટલાક કલાકોમાં રાજધાની લીમા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ઇમરજન્સી લગાવવાનો નિર્ણય કરી રહી છે, જેથી કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય.” તેમણે સ્પષ્ટ કર્યું કે, આ નિર્ણય સરકારવિરોધી હિંસક પ્રદર્શનોને રોકવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યો છે.
#BREAKING Peru to impose state of emergency in Lima after wave of violence, says government pic.twitter.com/Bc1MB0qXgW
— AFP News Agency (@AFP) October 17, 2025
માહિતી મુજબ, આ વિરોધ પ્રદર્શનોને ખાસ કરીને Gen-Z (યુવા પેઢી) દ્વારા સોશિયલ મીડિયા મારફતે આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસમાં હજારો પ્રદર્શનકારીઓ લીમા અને અન્ય મુખ્ય શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ રાષ્ટ્રપતિ અને સરકાર પર ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ અને વધતા અપરાધો પર અંકુશ ન લગાવવાનો આક્ષેપ કરી રહ્યા છે. ઘણા પ્રદર્શનકારીઓએ રાજીનામાની માંગ સાથે નારા લગાવ્યા અને કેટલાક સ્થળોએ પોલીસ સાથે અથડામણ પણ થઈ.
પોલીસ અને સુરક્ષા દળોએ સ્થિતિ કાબૂમાં લેવા ટીઅર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો, પરંતુ પ્રદર્શનો સતત વધતા જ રહ્યા. હાલની સ્થિતિને જોતા સરકારએ ઇમરજન્સી જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આપાતકાળ દરમિયાન કેટલાક નાગરિક અધિકારો પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે, જેમ કે ભેગા થવા, રેલી કાઢવા કે રાત્રિના સમયમાં બહાર જવાની છૂટ.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, લીમાના અનેક વિસ્તારોમાં પોલીસ અને સૈન્ય દળોને તૈનાત કરવામાં આવ્યા છે. હિંસાના કારણે ઘણા વેપારી વિસ્તારો બંધ છે અને પરિવહન વ્યવસ્થા પણ અસરગ્રસ્ત થઈ છે. નાગરિકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વિશ્લેષકોનું માનવું છે કે પેરૂમાં રાજકીય અસ્થિરતા લાંબા સમયથી ચાલી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં સતત રાષ્ટ્રપતિઓના બદલાવ, ભ્રષ્ટાચારના કેસો અને જન અસંતોષના કારણે શાસન સંકટ ઊભું રહ્યું છે. હાલના રાષ્ટ્રપતિએ થોડા દિવસ પહેલાં જ સત્તા સંભાળી હતી, પરંતુ તરત જ વિરોધ લહેરનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ પેરૂની સરકારે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે આ ઘટનાને આંતરિક મુદ્દો તરીકે જોવો જોઈએ. જો આગામી દિવસોમાં હિંસા ઘટે નહીં, તો ઇમરજન્સીનો વિસ્તાર લીમાથી અન્ય શહેરો સુધી પણ વધારી શકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel