કેન્દ્રીય સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે Deepfakeને લોકતંત્ર માટે નવો ખતરો ગણાવતા કહ્યું કે, સરકાર તેનો સામનો કરવા માટે ટૂંક સમયમાં નવા નિયમો લાવશે. મંત્રીએ Deepfake મુદ્દે સોશિયલ મીડિયા મંચોના પ્રતિનિધિઓ સાથે આજે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, કંપનીઓ Deepfakeને જાણવા માટે, તેનો સામનો કરવા માટે, તેની સૂચના આપવાના તંત્રને મજબૂત કરવા અને યૂઝર્સમાં જાગૃકતા વધારવા જેવી સ્પષ્ટ કાર્યવાહી કરવા પર સહમત થઈ છે.
‘Deepfake’ લોકતંત્ર માટે નવો ખતરો
વૈષ્ણવે પત્રકારોને આ મામલે જણાવ્યું હતું કે, અમે આજે જ વિનિયમનનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું શરૂ કરી દઈશું અને ટૂંક સમયમાં જ અમારી પાસે Deepfakeનો સામનો કરવા માટે નવા નિયમો હશે. તે હાલના માળખામાં સુધારો કરીને અથવા નવા નિયમો અથવા નવો કાયદો લાવવાના રૂપમાં હોઈ શકે છે. મંત્રીએ કહ્યું કે ‘Deepfake’ લોકતંત્ર માટે નવા ખતરા તરીકે ઉભરી આવ્યું છે. અમારી આગામી બેઠક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. આજે લીધેલા નિર્ણયો પર વધુ ચર્ચા કરવામાં આવશે. ડ્રાફ્ટ રેગ્યુલેશનમાં શું શામેલ કરવું જોઈએ તેની પણ ચર્ચા કરવામાં આવશે.
Deepfakeમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ફોટો અથવા વિડિયોમાં હાજર વ્યક્તિની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ બતાવવામાં આવે છે. તેમાં એટલી બધી સામ્યતા છે કે અસલી અને નકલી વચ્ચે ભેદ પાડવો ખૂબ જ મુશ્કેલ હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા બોલિવુડ કલાકારોને નિશાન બનાવતા અનેક ‘Deepfake’ વીડિયો સામે આવ્યા છે. આ અંગે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. આનાથી નકલી સામગ્રી બનાવવા માટે ટેક્નોલોજી અને સાધનોના દુરુપયોગ અંગે પણ ઘણા સવાલો ઉભા થયા છે.