કર્ણાટકમાં દશેરાના ઉત્સવને લઈને આ વખતે મોટો રાજકીય અને ધાર્મિક વિવાદ ઊભો થયો છે. હિંદુ પરંપરાથી જોડાયેલા આ પવિત્ર ઉત્સવને “સેક્યુલર તહેવાર” ગણાવવાના ડેપ્યુટી CM ડી.કે. શિવકુમારના નિવેદન અને બુકર પુરસ્કાર વિજેતા કન્નડ લેખિકા બાનુ મુશ્તાકને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવાના નિર્ણયે હિંદુ સમુદાય અને રાજકીય પક્ષો વચ્ચે ભારે આક્રોશ જગાવ્યો છે. સદીઓથી મૈસૂર દશેરા ઉત્સવ દેવી ચામુંડેશ્વરીના પૂજન સાથે ઊંડા ધાર્મિક મહત્ત્વથી જોડાયેલો રહ્યો છે. દર વર્ષે ચામુંડેશ્વરી પર્વત પર ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. કોંગ્રેસ સરકારે આ વર્ષે એક મુસ્લિમ લેખિકાને દશેરા પૂજાનું ઉદ્ઘાટન કરવા આમંત્રિત કરીને તેને ધાર્મિક પરંપરા કરતાં “સમાવેશક” અને “સેક્યુલર” કાર્યક્રમ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
હિંદુ સંગઠનો અને ભાજપનો આક્ષેપ છે કે કોંગ્રેસ સરકાર તુષ્ટિકરણની રાજનીતિ માટે હિંદુઓની આસ્થા અને પરંપરાઓ સાથે ચેડાં કરી રહી છે. તેમનું કહેવું છે કે દેવી ચામુંડેશ્વરીનું પૂજન માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ હિંદુઓની સદીઓ જૂની પરંપરા અને શ્રદ્ધાનો અભિન્ન ભાગ છે, જેમાં અન્ય ધર્મના વ્યક્તિને મુખ્ય ભૂમિકા આપવી યોગ્ય નથી. આ વિરોધને વધુ તીવ્ર બનાવનાર બાબત એ રહી કે ડેપ્યુટી CM શિવકુમારે જાહેર નિવેદનમાં કહ્યું કે “ચામુંડેશ્વરી પર્વત માત્ર હિંદુઓનો નથી, પરંતુ બધા સમુદાયનો છે.” તેમણે આ મંદિરને સર્વધર્મ માટે ખુલ્લું સ્થળ ગણાવ્યું અને કહ્યું કે રાજવી પરિવારના સભ્યોએ પણ આ બાબતમાં પરવાનગી આપી છે.
આ નિવેદન પછી મૈસૂરના રાજવી પરિવારના સભ્ય અને સાંસદ યદુવીર કૃષ્ણદત્ત ચામરાજ વાડિયારે જાહેરમાં શિવકુમારના દાવાઓનો ખંડન કર્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ચામુંડેશ્વરી પર્વત હિંદુઓનું શક્તિપીઠ છે, જે હિંદુ ધર્મગ્રંથોમાં ઉલ્લેખિત છે. દેવી ચામુંડેશ્વરી માત્ર હિંદુ આસ્થાનો કેન્દ્ર છે અને દૈનિક પૂજા તથા પરંપરાઓ હિંદુ ધર્મગ્રંથો અનુસાર જ ચાલે છે. રાજવી પરિવારે કોંગ્રેસ સરકાર પર આક્ષેપ કર્યો કે તે હિંદુ પરંપરાઓને નકારવાની અને ધાર્મિક ઉત્સવને રાજકીય અખાડામાં ફેરવવાની કોશિશ કરી રહી છે.
આ વિવાદને કારણે કર્ણાટકમાં ધાર્મિક ભાવનાઓ સાથે રાજકીય તાપમાન ચઢી ગયું છે. ભાજપે આ મુદ્દે કોંગ્રેસ પર હિંદુધર્મ વિરોધી એજન્ડાનો આરોપ મૂકી પ્રહાર કર્યો છે, જ્યારે કોંગ્રેસ સરકાર પોતાનો નિર્ણય યોગ્ય ઠેરવી રહી છે અને દશેરાને “સમગ્ર સમાજ માટે ખુલ્લો ઉત્સવ” ગણાવી રહી છે. મૈસૂર દશેરા જેવો ઉત્સવ, જે હંમેશા કર્ણાટકની ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક રહ્યો છે, હવે ધાર્મિક આસ્થા અને રાજકીય ટકરાવના કેન્દ્રમાં આવી ગયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel